
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભલે ક્રિકેટથી દૂર હોય અને પોતાની વાપસીની રાહ જોઈ રહ્યો હોય, પરંતુ તે સમાચારમાં રહે છે. IPL 2026ના અંતથી હાર્દિકના મુંબઈ ઈન્ડિયન્સ છોડવાની અને અન્ય ફ્રેન્ચાઈઝીમાં ટ્રેડ થવાની અફવાઓ ફેલાઈ રહી છે.

પરંતુ આ ચર્ચાઓ વચ્ચે, એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યાએ ફરી એકવાર તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સમાં પાછા ફરવાનું વિચાર્યું હતું, પરંતુ તેની એક શરતના કારણે આ સોદો ના થઈ શક્યો.

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિકે તાજેતરમાં ગુજરાત ટાઈટન્સ સાથે વાપસી અંગે ચર્ચા કરી હતી અને GT તેને ફરીથી સાઈન કરવા તૈયાર હતું. GT મેનેજમેન્ટે કેપ્ટન શુભમન ગિલ સાથે પણ ચર્ચા કરી હતી અને તે પણ તૈયાર હતો.

પરંતુ હાર્દિક ફરી એકવાર ગુજરાત ટાઈટન્સની કપ્તાની કરવા માંગતો હતો અને ગુજરાત મેનેજમેન્ટ સમક્ષ આ શરત મૂકવા માંગતો હતો. આ એક શરતે સમગ્ર સોદો ખોરવી નાખ્યો. GTમાં બધાએ સર્વાનુમતે આ શરતને નકારી કાઢી, આમ હાર્દિકની ઘર વાપસીની આશાઓ પર પાણી ફરી વળ્યું.

આ ડીલ ન થતાં ફરીથી હાર્દિકના ટ્રેડ અંગેની અટકળો ચાલુ રહેશે. જોકે, હાર્દિક પંડ્યાના નજીકના એક વ્યક્તિએ આવી કોઈ પણ પ્રકારની ડીલની ચર્ચા થઈ હોવાનો ઈનકાર કર્યો હતો.

હાર્દિક પંડ્યા 2022 માં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બન્યો હતો અને તેની કેપ્ટનશીપમાં ગુજરાતે IPL માં પ્રવેશ કર્યો અને તેની પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બન્યું હતું.. ત્યારબાદ GT આગામી સિઝનમાં પણ ફાઈનલમાં પહોંચ્યું હતું.

જોકે ત્યારબાદ હાર્દિક પંડ્યા GT છોડી મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને 2024 સિઝનમાં MI નો કેપ્ટન બન્યો. જોકે, આ વાપસી અસફળ રહી, અને તે સતત ત્રણ સિઝનમાં ટીમને ટાઈટલ અપાવવામાં નિષ્ફળ ગયો અને IPL 2026 બાદ તેના મુંબઈ છોડવાના સમાચાર શરૂ થઈ ગયા હતા. (PC:PTI/X/IPL)
Published On - 5:30 pm, Wed, 12 August 26