
IPL 2027ની હરાજી પહેલા ટીમો પોતાની સ્ક્વોડને મજબૂત બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે સંભવિત ટ્રેડને લઈને ચર્ચા શરૂ થઈ છે.

અહેવાલો મુજબ LSG મેનેજમેન્ટે ગુજરાતના મહેસાણાના યુવા બેટ્સમેન ઉર્વિલ પટેલને પોતાની ટીમમાં સામેલ કરવા માટે CSKનો સંપર્ક કર્યો છે. ઉર્વિલની આક્રમક બેટિંગને જોતા લખનૌ તેને ભવિષ્યના મહત્વના ખેલાડી તરીકે જોઈ રહ્યું છે.

ઉર્વિલ પટેલને CSKએ IPL 2025ની હરાજીમાં માત્ર 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 2025માં તેને ઓછી તકો મળી હતી, પરંતુ IPL 2026માં આયુષ મ્હાત્રેની ગેરહાજરીમાં મળેલી તકનો તેણે શાનદાર ફાયદો ઉઠાવ્યો હતો.

ઉર્વિલે નંબર-3 પર બેટિંગ કરતા આક્રમક અંદાજમાં રન બનાવ્યા હતા. તેના સ્ટ્રાઈક રેટ અને ઝડપી બેટિંગથી તેણે પોતાની ક્ષમતા સાબિત કરી હતી. હવે LSG તેને પોતાના ટોપ ઓર્ડરને મજબૂત કરવા માટે સામેલ કરવા માંગે છે.

બીજી તરફ, આ ટ્રેડમાં મોહમ્મદ શમીનું નામ પણ સામે આવ્યું છે. જો CSK આ ઓફર સ્વીકારે તો તેને અનુભવી ભારતીય ઝડપી બોલર મળશે, જ્યારે LSGને ગુજરાતના યુવા પ્રતિભાશાળી બેટ્સમેનનો વિકલ્પ મળશે. જોકે, આ ટ્રેડ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. (PC:X)