
IPLમાં પ્લેઓફ સુધી પહોંચવું માત્ર પ્રતિભાનો નહીં પરંતુ સતત સારા પ્રદર્શન, દબાણમાં રમવાની ક્ષમતા અને મજબૂત ટીમ કોમ્બિનેશનનો પુરાવો છે. IPLમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમનારી ટોપ 5 ટીમોએ વર્ષો સુધી ચાહકોને રોમાંચક મેચો આપી IPLના ઈતિહાસમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે.

IPLના ઈતિહાસમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમનાર ટીમ તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ ટોચ પર આવે છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ CSKએ વર્ષો સુધી અદભૂત સાતત્ય જાળવી રાખ્યું છે. ટીમે કુલ 26 પ્લેઓફ મેચ રમીને લીગમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે.

બીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ છે. રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈએ અનેક યાદગાર સિઝન આપી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી કુલ 22 પ્લેઓફ મેચ રમી છે અને IPLની સૌથી સફળ ટીમોમાં સ્થાન મેળવ્યું છે.

આ યાદીમાં ત્રીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ આવે છે, જે ઘણા ચાહકો માટે આશ્ચર્યજનક છે. સ્ટાર ખેલાડીઓથી ભરપૂર RCBએ અત્યાર સુધી 17 પ્લેઓફ મેચ રમી છે. ખાસ વાત એ છે કે ટીમે 18 વર્ષ પછી 2025માં પોતાની પહેલી IPL ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી.

ચોથા સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ છે. KKRએ અનેક સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરીને ચાહકોને પ્રભાવિત કર્યા છે. ત્રણ વખત IPL ટ્રોફી જીતનાર આ ટીમ અત્યાર સુધી કુલ 15 પ્લેઓફ મેચ રમી ચૂકી છે.

પાંચમા સ્થાન પર સનરાઈઝર્સ હૈદરાબાદનું નામ આવે છે. 2016ની ચેમ્પિયન રહેલી SRHએ સતત મજબૂત બેટિંગ-બોલિંગ અને ટીમ વર્કના આધારે પ્લેઓફમાં પોતાની હાજરી નોંધાવી છે. ટીમ અત્યાર સુધી 14 પ્લેઓફ મેચ રમી ચૂકી છે. (PC:PTI:X)
Published On - 6:50 pm, Sat, 23 May 26