
IPL 2026ની શરૂઆત 28 માર્ચે થવાની છે, જેમાં પ્રથમ મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આ મેચ પહેલા જ SRH ટીમમાં કપ્તાની અંગે ચર્ચાઓ જોર પકડી રહી છે, કારણ કે નિયમિત કેપ્ટન ઉપલબ્ધ રહેશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી.

આ પરિસ્થિતિમાં ઈશાન કિશનનું નામ આગળ આવી રહ્યું છે. અહેવાલો મુજબ, ટીમ મેનેજમેન્ટ શરૂઆતની મેચોમાં કિશનને કેપ્ટન તરીકે પસંદ કરી શકે છે. તાજેતરમાં તેણે શાનદાર ફોર્મ બતાવ્યું છે, જે તેને આ જવાબદારી માટે મજબૂત દાવેદાર બનાવે છે.

SRHનો કેપ્ટન પેટ કમિન્સ હાલમાં ઈજાના કારણે સંપૂર્ણ રીતે ફિટ નથી. તે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે અને ક્યારે ટીમ સાથે જોડાશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. આ કારણે ટીમને શરૂઆતમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવું પડી શકે છે.

અહેવાલો અનુસાર, ટીમ અભિષેક શર્માને વાઈસ કેપ્ટન બનાવી શકે છે. અભિષેક ઓપનિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યારે ટીમ પાસે ટ્રેવિસ હેડ જેવો આક્રમક બેટ્સમેન પણ છે, જે શરૂઆતથી જ ઝડપથી રન બનાવે છે.

ઈશાન કિશનનું તાજેતરનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું છે. તેણે ઓપનર અને નંબર 3 બંને સ્થાને રમતા પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેની આક્રમક બેટિંગ સ્ટાઇલ ટીમને ઝડપી શરૂઆત આપવા મદદરૂપ બની શકે છે, જે IPL જેવી ટૂર્નામેન્ટમાં ખૂબ મહત્વપૂર્ણ છે.

બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓની ગેરહાજરી અન્ય ટીમોને પણ અસર કરી શકે છે. જોશ હેઝલવુડ પણ ઈજાને કારણે શરૂઆતની મેચો ચૂકી શકે છે, જે RCB માટે ચિંતા વધારશે. આમ, IPL 2026ની શરૂઆત પહેલા જ અનેક ટીમો માટે પડકારો ઉભા થઈ રહ્યા છે. (PC:PTI/X)
Published On - 5:38 pm, Tue, 17 March 26