
T20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન મુંબઈએ કુલ 1,862 વિકેટ પૂર્ણ કરીને પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો.

આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ T20 ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ અને સૌથી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમની આ સિદ્ધિ ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે.

ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ભલે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ટીમના બોલરોએ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી. મેચ દરમિયાન મુંબઈના બોલરોએ છ વિકેટ ઝડપી અને કુલ વિકેટોની સંખ્યા 1,862 સુધી પહોંચાડી હતી.

આ પહેલાં આ રેકોર્ડ પાકિસ્તાન ક્રિકેટ ટીમના નામે હતો. પાકિસ્તાને 303 T20 મેચોમાં કુલ 1,858 વિકેટ લીધી હતી. હવે મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટના અંતરથી તેમને પાછળ છોડીને વિશ્વ ક્રિકેટમાં નવો માઈલસ્ટોન સ્થાપ્યો છે.

આ લિસ્ટમાં ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમો પણ આગળ છે. સમરસેટે 1,823 વિકેટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે હેમ્પશાયર, એસેક્સ અને સરે જેવી ટીમોએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આ યાદીમાં દિલ્હી કેપિટલ્સ પણ સામેલ છે, જેમણે 1,737 વિકેટ લીધી છે.

જો IPL ટીમોની વાત કરીએ તો મુંબઈ પછી દિલ્હી કેપિટલ્સ બીજા ક્રમે છે. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 1,723 વિકેટ સાથે સમાન આંકડો નોંધાવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પણ આ યાદીમાં સામેલ છે.

બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ મુંબઈ ઈન્ડિયન્સનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાય છે. ટીમે અત્યાર સુધી 312 T20 મેચોમાં કુલ 50,792 રન બનાવ્યા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. (PC:PTI/X)
Published On - 10:29 pm, Thu, 21 May 26