
ઝિમ્બાબ્વેને બીજી T20માં 90 રનથી હરાવી ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી હતી.

વૈભવ સૂર્યવંશીએ 9 બોલમાં 20 રન બનાવ્યા, પરંતુ તે પોતાની શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નહીં. અભિષેક શર્મા સતત બીજી મેચમાં નિષ્ફળ રહ્યો અને માત્ર 8 રન બનાવીને આઉટ થયો.

ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી. અય્યરે 20 બોલમાં 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈશાન અને તિલક વર્માએ ચોથી વિકેટ માટે 94 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

ઈશાન કિશને 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. બીજી તરફ તિલક વર્માએ માત્ર 29 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 60 રન ફટકારીને ભારતને 219 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહીં અને 90 રનથી મેચ હારી ગઈ. આ જીત સાથે ભારતે શ્રેણી 2-0થી પોતાના નામે કરી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં આ ભારતની પ્રથમ T20I શ્રેણી જીત છે. (PC:X/BCCI)