IND vs IRE: વૈભવ સૂર્યવંશીથી શ્રેયસ અય્યર સુધી… આયર્લેન્ડમાં 6 ભારતીય ખેલાડીઓ કરશે ખાસ ડેબ્યૂ
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂનથી શરૂ થનારી T20 શ્રેણી ઘણા યુવા ખેલાડીઓ માટે ખાસ બનવાની છે. 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ 6 ખેલાડીઓ પહેલીવાર આયર્લેન્ડની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. બીજી તરફ, માત્ર 9 ખેલાડીઓ પાસે જ આઈરિશ પરિસ્થિતિઓમાં રમવાનો અગાઉનો અનુભવ છે.

ભારતીય ક્રિકેટ ટીમ બે મેચની T20 શ્રેણી માટે આયર્લેન્ડ પહોંચી ગઈ છે. 26 જૂનથી શરૂ થનારી આ શ્રેણીમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું જોરદાર કોમ્બિનેશન જોવા મળશે. ખાસ વાત એ છે કે ટીમના અનેક ખેલાડીઓ માટે આ પ્રવાસ સંપૂર્ણપણે નવો અનુભવ બનવાનો છે.

ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ પ્રથમ વખત T20 ટીમના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર કરશે. શ્રેયસે અગાઉ આયર્લેન્ડમાં ક્રિકેટ રમ્યું નથી, તેથી ખેલાડી અને કેપ્ટન તરીકે આ પ્રવાસ તેના માટે ખાસ રહેશે.

આયર્લેન્ડમાં પહેલીવાર રમનારા ખેલાડીઓમાં સૌથી વધુ ચર્ચામાં વૈભવ સૂર્યવંશી છે. 15 વર્ષીય આ યુવા બેટ્સમેન પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે તૈયાર છે. તેની સાથે સૂર્યાંશ શેડગે, પ્રિન્સ યાદવ, હર્ષિત રાણા અને અભિષેક શર્મા પણ પ્રથમ વખત આઈરિશ પરિસ્થિતિઓનો અનુભવ કરશે.

બીજી તરફ ટીમના કેટલાક ખેલાડીઓ અગાઉ આયર્લેન્ડમાં રમવાનો અનુભવ ધરાવે છે. સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ અહીંની પરિસ્થિતિઓથી પરિચિત છે, જે ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓ પણ અગાઉ આયર્લેન્ડમાં રમી ચૂક્યા છે. યુવા અને અનુભવી ખેલાડીઓના આ મિશ્રણ સાથે ટીમ ઈન્ડિયા શ્રેણીમાં મજબૂત દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે, જ્યારે ચાહકોની નજર ખાસ કરીને વૈભવ સૂર્યવંશીના સંભવિત ડેબ્યૂ પર રહેશે. (PC:PTI/X)
Vaibhav Suryavanshi: 15 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી વૈભવ બનશે ભારતનો સૌથી યુવા ક્રિકેટર, પરંતુ નહીં તોડી શકે આ વર્લ્ડ રેકોર્ડ
