
ભારતીય ક્રિકેટ ટીમના યુકે પ્રવાસમાં સતત મળેલી નિષ્ફળતા બાદ BCCI એ મોટો નિર્ણય લીધો છે. આયર્લેન્ડ સામે શ્રેણી ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડ સામે પણ ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. હવે શ્રેણી પૂર્ણ થયા પછી હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર સાથે BCCI ની સમીક્ષા બેઠક યોજાશે.

એક અહેવાલ મુજબ BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે બોર્ડ ટીમની વર્તમાન પ્રદર્શનથી ચિંતિત છે. બેઠક દરમિયાન ટીમની ખામીઓ, વ્યૂહરચના અને ભવિષ્યની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે. ટીમ ફરી જીતના માર્ગે પરત ફરે તે માટે જરૂરી નિર્ણયો લેવામાં આવશે.

ભારતના યુકે પ્રવાસની શરૂઆત આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણીથી થઈ હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ભારતને 2-0 થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આયર્લેન્ડે પ્રથમ વખત ભારત સામે T20 શ્રેણી જીતવાનો ઈતિહાસ રચ્યો હતો.

આયર્લેન્ડ બાદ ઈંગ્લેન્ડમાં પણ ભારતનું પ્રદર્શન સુધરી શક્યું નથી. પાંચ મેચની T20 શ્રેણીમાં પ્રથમ ચાર મેચ બાદ ભારત શ્રેણી ગુમાવી ચૂક્યું છે. એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે ઈંગ્લેન્ડે ત્રણ મેચ જીતીને અજેય લીડ મેળવી લીધી છે.

હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી T20 મેચ 11 જુલાઈએ સાઉથમ્પ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ માત્ર સાંત્વના જીત પૂરતી નહીં, પરંતુ પોતાની પ્રતિષ્ઠા બચાવવાની તક પણ રહેશે. ત્યારબાદ BCCI ની સમીક્ષા બેઠકમાં ટીમના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. (PC:X/BCCI)