
અભિષેક નાયરની વાપસી એવા સમયે થઈ છે જ્યારે કોલકાતા આ સિઝનમાં સંઘર્ષ કરી રહ્યું છે અને અત્યાર સુધી 7 માંથી ફક્ત 3 મેચ જીતી શક્યું છે. એવામાં અભિષેકની વાપસી ટીમના ખેલાડીઓને મદદરૂપ સાબિત થશે તેવી અપેક્ષા છે.

નાયર 2024માં ખિતાબ જીતનાર કોલકાતાના કોચિંગ સ્ટાફનો ભાગ હતો. ત્યારબાદ ટીમ IPL ચેમ્પિયન બન્યા પછી, મેન્ટર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનાવવામાં આવ્યો. તેની સાથે નાયરને પણ ટીમ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ કોચ તરીકે સામેલ કરવામાં આવ્યો. પરંતુ 10 મહિનાથી ઓછા સમયમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. જાન્યુઆરીમાં BCCI સમીક્ષા બેઠક બાદ નાયર સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને ટેસ્ટ શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમય દરમિયાન, ટીમના ઘણા આંતરિક સમાચાર પણ મીડિયામાં આવ્યા, જેના કારણે ઘણો હોબાળો થયો. આ સાથે, કોચિંગ સ્ટાફના એક મહત્વપૂર્ણ સભ્ય પણ તેમનાથી નારાજ હોવાનું કહેવાય છે.

સમીક્ષા બેઠકમાં આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ એપ્રિલ મહિનામાં જ નાયરને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાના સમાચાર આવ્યા હતા. જોકે, BCCI કે નાયરે અત્યાર સુધી આ મામલે કંઈપણ પુષ્ટિ આપી ન હતી, પરંતુ હવે KKRમાં પરત ફર્યા પછી બધું સ્પષ્ટ થઈ ગયું છે. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
Published On - 6:54 pm, Sat, 19 April 25