
ગયા વર્ષે બંનેને BCCIના 2023-24ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આનું સૌથી મોટું કારણ ઘરેલુ ક્રિકેટ ન રમવું હતું. વાસ્તવમાં, BCCIના આદેશ મુજબ, નેશનલ ટીમની બહાર રહેલા ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટ રમવું પડે છે. પરંતુ ગયા વર્ષે આ બંને ખેલાડીઓ આમ કરવાનું ટાળતા જોવા મળ્યા હતા.

ગયા વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાના ભારત પ્રવાસમાંથી પાછા ફર્યા બાદ ઈશાન કિશન અંગત કારણોસર લાંબા વિરામ પર ગયો હતો. બોર્ડના આદેશ છતાં, ઈશાન કિશન તે સમયે બાકીની રણજી ટ્રોફી મેચોમાં રમ્યો ન હતો અને બરોડામાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. જે બાદથી BCCI તેનાથી નારાજ હતું.

બીજી તરફ, શ્રેયસ અય્યર કમરના દુખાવાના કારણે રણજી મેચોથી દૂર રહ્યો હતો. પરંતુ નેશનલ ક્રિકેટ એકેડેમીના સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિનના વડા નીતિન પટેલે BCCIને એક ઈમેલમાં જણાવ્યું હતું કે અય્યર 'ફિટ' છે, જેના પગલે હોબાળો મચી ગયો હતો અને તેણે પોતાનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ ગુમાવ્યો હતો.

આ ઘટના પછી, બંને ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અય્યરે રણજી ટ્રોફીમાં મુંબઈ માટે પાંચ મેચમાં 480 રન બનાવ્યા. ત્યારબાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચોથો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો. આ પછી વિજય હજારે ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયામાં પણ વાપસી કરી. તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.

બીજી તરફ, ઈશાન કિશને ઝારખંડ તરફથી રમતા ઘરેલુ ક્રિકેટમાં કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ પછી, તેણે IPL 2025ની પોતાની પહેલી જ મેચમાં સદી ફટકારીને પોતાનો દાવો મજબૂત કર્યો. હવે તેની નજર ટીમ ઈન્ડિયામાં વાપસી પર રહેશે.

તમને જણાવી દઈએ કે, BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવિષ્ટ ખેલાડીઓનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ અન્ય ખેલાડીઓની જેમ હવે આ બંને ખેલાડીઓને પણ BCCIના સેન્ટ્રલ ઓફ એક્સેલન્સ (COE) ખાતે મફત સારવારની સુવિધા મળશે. આ ઉપરાંત, મુસાફરી ભથ્થું પણ આપવામાં આવશે. (All Photo Credit : PTI)