
ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી લગભગ સાત મહિના પછી ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળશે. બંનેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જોકે, આ પ્રવાસ પછી રોહિત અને વિરાટ ક્યારેય ટીમ ઈન્ડિયા માટે રમી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

હકીકતમાં, 2027ના વનડે વર્લ્ડ કપના આયોજનના ભાગ રૂપે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા જ રોહિત પાસેથી વનડે ટીમની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે. આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર વચ્ચેની ગુપ્ત યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીને રોહિત અને કોહલીની કારકિર્દીનો અંતિમ તબક્કો માનવામાં આવી રહ્યો છે. કારણ કે ટીમ મેનેજમેન્ટ આ પ્રવાસને 2027 વર્લ્ડ કપની તૈયારીઓની શરૂઆત તરીકે જોઈ રહ્યું છે અને રોહિત-વિરાટ કદાચ આ યોજનાનો ભાગ નથી.

જેથી રોહિતની જગ્યાએ શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. એક અહેવાલ મુજબ, અજિત અગરકર અને ગૌતમ ગંભીરના સિક્રેટ પ્લાનના ભાગરૂપે બંને સ્ટાર્સને ધીમે-ધીમે "ભૂતપૂર્વ ખેલાડીઓ"માં ધકેલી દેવામાં આવી રહ્યા છે. આ યોજનાને બોર્ડના ઉચ્ચ અધિકારીઓ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે .

રિપોર્ટ અનુસાર, બંને ખેલાડીઓ દક્ષિણ આફ્રિકામાં રમાનારી 2027 વર્લ્ડ કપ માટેની ભારતની યોજનાનો ભાગ નથી. રોહિત ત્યાં સુધી 40 વર્ષનો હશે, જ્યારે કોહલી 39 વર્ષની નજીક હશે. જેથી ઉંમર પણ એક ફેક્ટર બની રહી છે બંનેને ના પસંદ કરવા માટે.

આ સિવાય બંનેને T20I-ટેસ્ટમાંથી નિવૃત્તિ પછી સતત રમવાનું પડકારજનક લાગ્યું છે અને મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા રાહ જોઈ રહ્યા છે. અગરકર અને ગંભીરે પહેલેથી જ એક યોજના બનાવી છે.

વધુમાં, શુભમન ગિલને ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો હતો અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટન તરીકેની સફળતાએ આ યોજનાને મજબૂત બનાવી. આ સિવાય, રોહિતને પણ આ નિર્ણયની અગાઉથી જાણ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા શ્રેણી બંનેની છેલ્લી શ્રેણી હોઈ શકે છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી, ભારત નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ODI અને જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે એટલી જ મેચ રમશે. રોહિત અને વિરાટ આ પ્રવાસનો ભાગ બનશે કે નહીં તે આંશિક રીતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરના તેમના પ્રદર્શન પર નિર્ભર રહેશે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 9:38 pm, Mon, 6 October 25