
IT અને ટેક સોલ્યુશન્સ કંપનીએ Q3FY26 માં એકંદરે સારું પ્રદર્શન કર્યું છે. કંપનીના શેરનો વર્તમાન ભાવ લગભગ ₹1008.10 છે, જ્યારે નિષ્ણાતોએ ટાર્ગેટ પ્રાઈસ ₹1,880 નક્કી કરેલ છે. આનો અર્થ એ છે કે, વર્તમાન સ્તરેથી શેરમાં લગભગ 80 ટકાથી વધુ ઉછાળાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં નિષ્ણાતોએ આ શેર પર 'BUY' રેટિંગ જાળવી રાખ્યું છે.

Q3FY26 માં IT અને ટેક સોલ્યુશન્સ કંપનીના ગ્રોથનો સૌથી મોટો સપોર્ટ બેન્કિંગ (Banking) તેમજ TIG સેગમેન્ટ રહેલ છે. બેન્કિંગ બિઝનેસમાંથી કંપનીની આવક વાર્ષિક ધોરણે 20 ટકાથી વધુ વધી છે. ભારત અને સિંગાપોરમાં નવા મોટા ઓર્ડર મળવાથી આ ગ્રોથ આવ્યો છે. સાથે જ, TIG સેગમેન્ટમાં પણ 23 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે કંપનીના બિઝનેસની મજબૂતી સ્પષ્ટપણે દર્શાવે છે.

કંપનીની ઓર્ડર બુક વધીને ₹17,000 કરોડથી વધુ થઈ ગઈ છે. આ અગાઉના ત્રિમાસિક ગાળા કરતા લગભગ 13 ટકા અને ગયા વર્ષ કરતા લગભગ 31 ટકા વધારે છે. આટલા મોટા ઓર્ડરનો અર્થ એ છે કે, આગામી સમયમાં કંપનીની કમાણીનો રસ્તો ઘણી હદ સુધી સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને મેટ્રો પ્રોજેક્ટ્સ, ટ્રાન્ઝિટ સિસ્ટમ અને PSU બેંકો સાથે જોડાયેલા મોટા ઓર્ડર કંપનીને લાંબા સમય સુધી સપોર્ટ આપશે.

Q3FY26 માં કંપનીની કુલ આવક અંદાજે ₹3,710 કરોડ રહી, જે ગયા વર્ષની સરખામણીમાં 21 ટકાથી વધુ છે. EBITDA પણ વધીને ₹754 કરોડ થયો અને માર્જિન લગભગ 20.3 ટકા પર સ્થિર રહ્યું. જો કે, નફો અપેક્ષા કરતા થોડો ઓછો રહ્યો કારણ કે નવા લેબર કોડને લીધે એક વખતનો (one-time) ખર્ચ થયો હતો, જેની અંદાજે ₹81 કરોડની અસર જોવા મળી હતી.

કંપનીનો ટ્રાન્ઝિટ બિઝનેસ સતત મજબૂત થઈ રહ્યો છે. દિલ્હી મેટ્રો અને ટીટાગઢ જેવા મોટા પ્રોજેક્ટ્સથી કંપનીને ફાયદો મળી રહ્યો છે. આ સાથે જ ડેટા સેન્ટર બિઝનેસમાં કંપની હવે વધુ જટિલ અને હાઈ વેલ્યુ પ્રોજેક્ટ્સ પર ફોકસ કરી રહી છે, જેનાથી આગળ જતાં મોટા ઓર્ડર મળવાની શક્યતા વધી ગઈ છે.

કંપનીનું EBITDA માર્જિન હાલમાં 20 થી 22 ટકાની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. આવનારા વર્ષોમાં માર્જિન ધીમે-ધીમે વધુ સારું થઈ શકે છે. કંપનીનો કેશ ફ્લો (રોકડ પ્રવાહ) પણ મજબૂત જળવાઈ રહ્યો છે અને મોટા પ્રોજેક્ટ્સ સંભાળવાની ક્ષમતા દેખાઈ રહી છે.

Choice Broking નું માનવું છે કે, Aurionpro ની ગ્રોથ સ્ટોરી હજુ પૂરી થઈ નથી. મજબૂત ઓર્ડર બુક, બેન્કિંગ અને ટ્રાન્ઝિટ સેગમેન્ટમાં સતત નવા ઓર્ડર તેમજ આગામી વર્ષોમાં ઝડપી કમાણીની સંભાવનાને જોતા બ્રોકરેજે આ શેર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.