
દેશના સામાન્ય માણસ માટે ફરી એક વખત ચિંતા વધારતી ચર્ચાઓ સરકારના ગલિયારામાંથી બહાર આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ગમે ત્યારે જાહેર થઈ શકે તેવી શક્યતાઓ તેજ બની છે, જેને લઈને લોકોમાં ચર્ચા અને ચિંતા બંને વધી રહી છે.

છેલ્લા ચાર વર્ષથી ઈંધણના ભાવ લગભગ સ્થિર રહ્યા હતા, જેનાથી સામાન્ય જનતાને થોડી રાહત મળી હતી. ખાસ કરીને મધ્યમવર્ગ અને દૈનિક આવક પર આધારિત લોકો માટે આ મોટી મદદરૂપ સાબિત થયું હતું.

હવે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો સતત વધી રહી છે, જેના કારણે આ સ્થિરતા લાંબા સમય સુધી જાળવી રાખવી મુશ્કેલ બની રહી છે. હાલમાં કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલર પાર પહોંચી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પરિસ્થિતિ પાછળ વૈશ્વિક રાજકીય તણાવ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી અણબનાવને કારણે ઓઇલ માર્કેટમાં અસ્થિરતા વધી છે. જેના કારણે ભારત સહિત ઘણા દેશોને મોંઘું કાચું તેલ ખરીદવું પડી રહ્યું છે. આનો સીધો અસર ઓઇલ કંપનીઓના ખર્ચ અને નફા પર પડી રહ્યો છે.

સૂત્રો મુજબ, હાલની સ્થિતિમાં ઓઇલ કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. તેથી તેઓ માટે ભાવમાં વધારો કરવો લગભગ અનિવાર્ય બની ગયો છે. જો ભાવવધારો જાહેર થાય છે, તો તેનો સીધો ફટકો સામાન્ય જનતાને પડશે.

ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થશે, જેના કારણે શાકભાજીથી લઈને રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ પણ વધશે. આમ, ઘરખર્ચનો બજેટ ફરી એકવાર ખોરવાઈ શકે છે.

ગુજરાતમાં પણ લોકો આ મુદ્દે ચિંતિત દેખાઈ રહ્યા છે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં રોજિંદા આવનજાવન માટે વાહનનો ઉપયોગ કરતા લોકો માટે આ વધારાનો ખર્ચ ભારે પડી શકે છે. હાલ લોકોની નજર સરકારના અંતિમ નિર્ણય પર ટકેલી છે. શું સરકાર કોઈ રાહત આપશે કે પછી વધતા ખર્ચનો બોજો સીધો જનતા પર આવશે, તે જોવાનું રહ્યું.

આગામી દિવસોમાં શું નિર્ણય આવે છે તે મહત્વપૂર્ણ રહેશે, પરંતુ હાલની પરિસ્થિતિએ સ્પષ્ટ કરી દીધું છે કે ઈંધણના ભાવ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. All Image Credit : Canva