
T20 વર્લ્ડ કપ 2026 માં ઓસ્ટ્રેલિયાની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ છે. ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થયા બાદ ઓસ્ટ્રેલિયાની સુપર-8માં જવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થતા જ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફનું મોટું નિવેદન સામે આવ્યું છે. કૈફનું કહેવું છે કે, જો 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્દિક પંડ્યા રમ્યો હોત, તો 'ભારત' ઓસ્ટ્રેલિયાને હરાવી શક્યું હોત.

તેમના આ નિવેદને ફરી એકવાર અમદાવાદ ફાઈનલની યાદો તાજી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર વેઠવી પડી હતી. આ ખિતાબી મેચમાં હાર્દિક પંડ્યા રમ્યો નહોતો, કારણ કે તે બાંગ્લાદેશ સામેની મેચમાં ઘૂંટણની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે 240 રન બનાવ્યા હતા પરંતુ ટ્રેવિસ હેડની વિસ્ફોટક 137 રનની ઇનિંગે ઓસ્ટ્રેલિયાને 7 ઓવર બાકી હતી, ત્યારે જ જીત અપાવી દીધી હતી.

કૈફે કહ્યું કે, વર્ષ 2023ની જીત બાદ ઓસ્ટ્રેલિયાને 'શક્તિશાળી' (Mighty) કહેવામાં આવ્યું હતું પરંતુ ત્યારથી તેમનું પ્રદર્શન સતત ઘટતું ગયું છે. તેમણે લખ્યું કે, જો હાર્દિક પંડ્યા અમદાવાદ ફાઇનલમાં રમ્યો હોત, તો ઓસ્ટ્રેલિયા ત્યાં પણ હારી ગયું હોત. કૈફે વધુમાં લખ્યું કે, 2023નો 50 ઓવરનો વર્લ્ડ કપ જીત્યા બાદ તેમને શક્તિશાળી ઓસ્ટ્રેલિયન કહેવામાં આવ્યા પણ ત્યારબાદ તેમની હાલત ખરાબ થઈ ગઈ.

2024નો T20 વર્લ્ડ કપ, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેઓ શક્તિશાળી દેખાયા નહોતા. જો હાર્દિક પંડ્યાએ 2023માં અમદાવાદ ફાઈનલ રમી હોત, તો ઓસ્ટ્રેલિયન ટીમ ત્યાં પણ હારી જાત.

2023 વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન ICC ટુર્નામેન્ટ્સમાં સતત નિરાશાજનક રહ્યું છે. 2024 T20 વર્લ્ડ કપમાં તેઓ સેમિફાઇનલ સુધી પહોંચી શક્યા નહોતા અને અફઘાનિસ્તાન સામે હાર્યા હતા. 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમને સેમિફાઇનલમાં ભારત દ્વારા બહાર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, 2023-25 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે હારવાથી ICC ફાઇનલ્સમાં દાયકાઓથી ચાલી આવતો તેમનો દબદબો પણ તૂટી ગયો હતો.

T20 વર્લ્ડ કપ 2026 માં ઓસ્ટ્રેલિયાનું અભિયાન અત્યંત નિરાશાજનક રહ્યું. 2021ની ચેમ્પિયન ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. તેમને માત્ર આયર્લેન્ડ સામે 67 રનની જીત મળી હતી પરંતુ ઝિમ્બાબ્વે સામે 23 રનની આઘાતજનક હારે તેમની રમત બગાડી દીધી હતી. બ્લેસિંગ મુઝારાબાનીએ ચાર વિકેટ લઈને કાંગારુઓને 146 રનમાં સમેટી લીધા હતા. ત્યારબાદ યજમાન શ્રીલંકાએ પણ તેમને આઠ વિકેટે હરાવ્યા, જેમાં પાથુમ નિસાંકાની સદીએ ઓસ્ટ્રેલિયાની આશાઓ ખતમ કરી દીધી હતી.

આખરે, આયર્લેન્ડ વિરુદ્ધ ઝિમ્બાબ્વેની મેચ વરસાદમાં ધોવાઈ જતાં ઓસ્ટ્રેલિયાનું સુપર-8 માં પહોંચવું અશક્ય બની ગયું હતું. 2009 પછી આ પ્રથમ વખત છે, જ્યારે ઓસ્ટ્રેલિયા આટલી જલ્દી વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું છે.