
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે, ભારત ક્યારેય પણ પાકિસ્તાનની અણુબોંબની ધમકીને વશ નહીં થાય. સાથોસાથ તેમને વિશ્નને પણ એક પ્રકારે આડકતરો સંદેશ આપ્યો છે કે, અણુબોબની બીક બતાવીને તમે ભારતને કાબૂમાં નહીં કરી શકો.

સીઝ ફાયરની વાત કરતા નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઓપરેશન સિંદૂરની કાર્યાવહી હાલ સ્થગિત કરવામાં આવી છે. બંધ કરવામાં નથી આવી. ઓપરેશન સિંદૂર પાકિસ્તાનના વાણી અને વર્તન પર આધાર રાખે છે. જો તે સુધરી જાય તો કામગીરી સ્થગિત રહેશે નહીં તો આનાથી પણ વધુ ગંભીર પરિણામ ભોગવવા પડશે.

પાકિસ્તાન સાથે કોઈ પણ સંજોગોમાં વાતચીત નહીં થાય. પાકિસ્તાન સાથે વાત થશે તો આતંકવાદ બંધ કરવા અને તેમણે પચાવી પાડેલા કાશ્મીર મુદ્દે જ વાતચીત કરવામાં આવશે.

ઓપરેશન સિંદૂર એ આતંક સામેની લડાઈ હતી. પાકિસ્તાન તેને પોતાની સામે લડાઈ સમજ્યું. ભારતે પાકિસ્તાનને પહેલા જ ઘામાં ધૂળ ચાટતુ કરી નાખ્યું છે. તે સરહદ પર વાર કરવા આવ્યું હતું. આપણે તેમના હ્રદય સમાન બહાવલપુર અને મોરક્કીમાં આતંકીઓના અડ્ડાઓને નેસ્તનાબૂદ કર્યા. આ બન્ને શહેરો ભારતના હુમલાથી ધ્રજી ઉઠ્યા હતા.

આતંકવાદ જ એક દિવસ પાકિસ્તાનને ભરખી જશે તેમ જણાવીને વડાપ્રધાને કહ્યું, પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો નાશ કરશે. જો પાકિસ્તાન ટકી રહેવા માંગતું હોય, તો તેણે તેના ઉછેરેલા આતંકવાદી માળખાને તોડી પાડીને નષ્ટ કરવું પડશે.
Published On - 9:55 pm, Mon, 12 May 25