
વૈભવ સૂર્યવંશીએ છેલ્લા 2 વર્ષના ટૂંકા ગાળામાં અંડર-19 લેવલથી લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટના સ્તર સુધી એક નવી ઓળખ બનાવી લીધી છે. માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર વૈભવે છેલ્લા 2 વર્ષમાં સાત મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ તમામ રેકોર્ડ એવા છે જ્યાં તેણે અંડર-19 થી લઈને ટીમ ઇન્ડિયા, IPL અને દુલીપ ટ્રોફી સુધી દરેક સ્તરે ઈતિહાસ રચ્યો છે.

હાલમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી દુલીપ ટ્રોફી 2026 માં ઈસ્ટ ઝોનની ટીમના વાઇસ-કેપ્ટન તરીકે રમી રહ્યો છે. સેન્ટ્રલ ઝોન સામે સેમિફાઇનલ મુકાબલામાં તેણે 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. જોકે તે સદી ચૂક્યો હતો, પરંતુ તેણે 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. તે હવે દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

T20 ક્રિકેટમાં પોતાની ધાક જમાવી ચૂકેલો વૈભવ સૂર્યવંશી હવે રેડ બોલ ક્રિકેટમાં પણ પોતાનો જલવો બતાવી રહ્યો છે. એટલું જ નહીં, તેણે વર્ષ 2026 માં વનડે ફોર્મેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ કારણ છે કે તે આ વર્ષે તમામ ફોર્મેટ મળીને સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન પણ છે.

છેલ્લા 2 વર્ષમાં વૈભવે પોતાના નામે કરેલા 7 મોટા રેકોર્ડ: અંડર-19 ટેસ્ટમાં સૌથી નાની ઉંમરે સદી: 13 વર્ષ 187 દિવસ, અંડર-19 વનડેમાં સૌથી નાની ઉંમરે સદી: 14 વર્ષ 100 દિવસ, IPL ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે સદી: 14 વર્ષ 32 દિવસ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી યુવા સદીવીર: 14 વર્ષ 250 દિવસ, T20 ઇન્ટરનેશનલમાં સૌથી નાની ઉંમરે અડધી સદી: 15 વર્ષ 118 દિવસ, દુલીપ ટ્રોફીમાં સૌથી નાની ઉંમરે અડધી સદી: 15 વર્ષ 157 દિવસ, ભારતીય મેન્સ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે પ્લેયર ઓફ ધ મેચ: 15 વર્ષ 121 દિવસ.

વર્ષ 2026 માં વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટક આંકડા: વૈભવ સૂર્યવંશીએ વર્ષ 2026 માં અત્યાર સુધી તમામ ફોર્મેટ મળીને (ભારત અંડર-19, ઇન્ડિયા-A, ભારતીય ટીમ, રાજસ્થાન રોયલ્સ અને દુલીપ ટ્રોફીમાં ઇસ્ટ ઝોન) 41 મેચની 41 ઇનિંગ્સમાં કુલ 2022 રન બનાવ્યા છે. તેના નામે આ વર્ષે 3 સદી અને 14 અડધી સદી નોંધાયેલી છે. વૈભવે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 179 ચોગ્ગા અને 161 છગ્ગા ફટકાર્યા છે. ખાસ વાત એ છે કે IPL 2026 માં જ એકલી 72 સિક્સર ફટકારીને વૈભવે ક્રિસ ગેલનો ઐતિહાસિક રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.