લોકસભાના સત્ર સુધીમાં જોવા મળે છે રાજકીય ઉત્પાતની આંધી…

પટણાની બેઠકમાં NCP તરફથી પવારની સાથે પ્રફુલ્લ પટેલ પણ ગયા હતા, બિચારા હેબતાઈ ગયા કે આ પક્ષો ભાજપનો વિકલ્પ બનશે? લાલુ પ્રસાદ રાહુલના લગ્નની વાત કરે, કોમન એજન્ડાની વાતને ફેંકી દેવામાં આવે, સંયુક્ત નિવેદનની પણ વાત ઉડાવી દેવામાં આવી,

લોકસભાના સત્ર સુધીમાં જોવા મળે છે રાજકીય ઉત્પાતની આંધી...
File Image
Follow Us:
| Updated on: Jul 08, 2023 | 4:01 PM

Loksabha Election 2024: પહેલા લોકસભા સત્ર (Loksabha session) પછી બીજા છ રાજ્યોની ચૂંટણી અને તે પછી 2024. હિંદુસ્તાનના ભાગ્યની એક વધુ ચૂંટણી. આ બધાની વચ્ચે રાજકીય પક્ષોની ગતિવિધિ એક્દમ વધી ગઈ. માત્ર ચૂંટણી જીતવા માટેની વ્યૂહરચના હોત તો ઠીક હતું, પણ આ તો અંદર અને બહાર શક્તિ દેખાડવાની કુશ્તીનો કાર્યક્ર્મ રોજબરોજ ચાલી રહ્યો છે. નાગરિકને (જે ચૂંટણી દરમિયાન જ મતદાર મહારાજ થવાનું સદભાગ્ય મેળવતો હોય છે!) માટે આ જીવસટોસટના સાહસો દેખાડતા સરકસ જેવુ મનોરંજન આપે છે.

તાજેતરનું ઉદાહરણ શરદ પવારની NCPનું છે. મોટાભાગના ધારાસભ્યોએ તો અજિત પવારની એનસીપીનું સમર્થન જારી રાખ્યું, સામસામા પ્રમુખ સુદ્ધાં બરતરફ થયા. સૌથી મોટી વાત તો ભત્રીજાએ કાકાશ્રીને કરી. કહ્યું કે હવે 82 વર્ષ થયા, જુઓ, ભાજપમાં 75થી વધુ વર્ષના નેતાઓ સત્તામાં સક્રિય નથી, તેવું તમે પણ કરો. આમાં સંભવ છે કે તેમનો ઈશારો નરેન્દ્ર મોદી તરફ પણ હોય. પરંતુ મોદી 2024ની ચૂંટણી દરમિયાન પણ એવી અવસ્થા સુધી પહોંચવાના નથી અને ભાજપનો ઉત્સાહ તેમ જ પ્રજાના પ્રેમને જોતાં એક અપવાદ તરીકે તેમને હજુ બીજા 10 વર્ષ તો અચૂક ભારતના ભવ્ય પરિવર્તનનો મોકો મળશે.

પણ શરદ પવારની બીજી મુશ્કેલી એ છે કે આટલી પાંગળી સ્થિતિમાં કોંગ્રેસ પણ તેનો ભાવ નહીં પૂછે. સોનિયા ગાંધી વડાપ્રધાન ના બને તેને માટે પવારે કરેલી રાજરમત અને કોંગ્રેસથી છૂટા પાડીને નવી પાર્ટી સ્થાપવાની હિકમત ગાંધી પરિવાર ભૂલી જાય એવું સહેલું નથી. શક્ય છે કે જેમ યશવંતરાવ ચવ્વાણને કોંગ્રેસમાં પાછા જવા તરણું પકડવાની સજા થઈ હતી તેવું પવાર માટે બને. એટ્લે કોંગ્રેસમાં પાછા ફરવું એ વિકલ્પ તેમના દિમાગમાં ના જ હોય તેવું માનવું નહીં.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પવાર અને પાવર શબ્દ એકબીજામાં વર્ષોથી ભળી ગયા છે અને છેક સુધી ચાલુ રહેશે. એટ્લે અજિત પવારને નબળા પાડીને ધારાસભ્યોની સંખ્યા વધારવી, શિવ સેના અને ભાજપમાં ગાબડાં પાડવાનો મહા-પ્રયાસ (મહાઆઘાડી માં બધુ મહા જ હોયને?) કરવો અને શક્તિશાળી બનવું એ બીજો વિકલ્પ છે. ત્રીજો ભાજપમાં જઈને રાષ્ટ્રપતિ બનવાનો પણ ખરો. કાશ્મીરના શેખ અબ્દુલ્લાના મનમાં ઊંડેઊંડે એવું ખરું કે સેક્યુલર દેશમાં તેમને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ.

ભાંગફોડ અને પ્રતિક્ષાના બે ઘોડા પર પવાર સવારી કરે છે. અબ્દુલ્લા પણ એવું વિપક્ષી એકતાથી થાય કે કેમ તેની રાહ જુએ છે. છેવટે ઉપરાષ્ટ્રપતિ બનવામાં પણ માની જાય, હો? પણ કોંગ્રેસનું શું? ભાજપ સામે એ તમામ પક્ષોનો મોટો ભાઈ છે. આડાઅવળાં નિવેદનો અને વક્તવ્યો એ તે પક્ષનો એકમાત્ર ગૃહ ઉદ્યોગ હોય તેવું લાગે. ટીવી પરની ચર્ચામાં તો હાથપાઈ અને ગાળાગાળી રોજ ના બની ગયા.

કોઈ નક્કી અને નક્કર કાર્યક્રમ વિના જ રામભરોસે (રામ શબ્દથી વાંધો હોય તો બીજું કઈ પણ ચાલે) પક્ષ ચાલે છે. જે ગંભીરતા સાથે કામ કરતા હતા તેવા નેતાઓ તો ક્યારના નીકળી ગયા. હવે ગુજરાતી કવિ પ્રેમાનંદના આખ્યાનમાં આવે છે તેવો “રૂતુપર્ણનો વરઘોડો “ કે કુંવરબાઈની જાન જેવી હાલત છે. બીજા પક્ષો હા-ના કરે છે, ને જો વધુ ભાગીદારી મળે તો જ તેની સાથે જવું એમ વિચારીને બેઠા છે.

પટણાની બેઠકમાં NCP તરફથી પવારની સાથે પ્રફુલ્લ પટેલ પણ ગયા હતા, બિચારા હેબતાઈ ગયા કે આ પક્ષો ભાજપનો વિકલ્પ બનશે? લાલુ પ્રસાદ રાહુલના લગ્નની વાત કરે, કોમન એજન્ડાની વાતને ફેંકી દેવામાં આવે, સંયુક્ત નિવેદનની પણ વાત ઉડાવી દેવામાં આવી, કેજરીવાલે તો સીધી (પણ લૂખ્ખી) ધમકી આપી કે કેન્દ્રનો દિલ્હી વિશેનો હુકમનો વિરોધ કરે તો જ અમે કોંગ્રેસને ટેકો આપીશું અને વિપક્ષી એક્તામાં સામેલ થશું. આવું કહીને પત્રકાર પરિષદમાં હાજર રહ્યા નહીં.

આ પરિસ્થિતિમાં એવું બને કે એક નહિ, ત્રણ અલગ અલગ ગઠબંધન થાય. જે પક્ષોને જેની સાથે જ્વું હોય ત્યાં જાય. પુત્રના લક્ષણ પારણામાંથી તે આનું નામ. હવે ભાજપની સ્થિતિ રાષ્ટ્રીય સ્તરે બેશક મજબૂત છે. તેની પાસે મુખ્ય માર્ગદર્શક જુજારુ અને કરિશ્માઈ નેતા મોદી છે. રાજ્યોમાં કેટલાક પ્રભાવી નેતાઓ છે, રામ મંદિર નિર્માણ, 370 કલમની હદપારી, તલાક નિયમમાં ફેરફારો અને હવે સમાન નાગરિક સંહિતા જેવા પ્રભાવી પરિણામો છે.

તેની પાસે કાર્યકર્તાનું મોટું બળ છે. જોકે આવડા મોટા સંગઠનમાં બધુ એકસરખું હોતું નથી. પ્રતિબદ્ધતા અને વિચારધારાનું પોત પાતળું બને એટ્લે કેટલાક અનિષ્ટો પણ સામેલ થઈ જાય. છૂટાછવાયા એવા બનાવો બને છે તે રોગ આગળ ના વધવો જોઈએ એટલું ભાજપે કરવું પડે. સંસદમાં અંદર અને બહાર આ રાજકીય વમળોની અસરો દેખાશે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

g clip-path="url(#clip0_868_265)">