ભૂલતા ઈતિહાસ પ્રત્યે અભ્યાસક્રમોમાં ધ્યાન અપાયું એમ લાગ્યું, પણ શું આ પૂરતું છે?
આપણે સરદાર ભગતસિંહ (Bhagat Singh), રાજગુરુ, સુખદેવની ત્રિપુટીના ફાંસીના વખતે ઝળહળતા બલિદાનથી તો પરિચિત છીએ. હમણાં માર્ચમાં ગુજરાતમાં વિરાંજલિ સાંસ્કૃતિક કાર્યક્રમની ઘણી જાહેરાતો થઈ. ચાલો, થોડુક તો ભૂલતા ઈતિહાસ પ્રત્યે ધ્યાન અપાયું એમ લાગ્યું, પણ શું આ પૂરતું છે?

આજકાલ ઈતિહાસનું ફરીવાર આલેખન થવું જોઈએ કે નહિ તેની ચર્ચા ચાલે છે. કેટલાક સ્થાપિત “ઈતિહાસકારો” એ તો નિવેદન પણ કર્યું કે અભ્યાસક્રમોમાં ફેરફાર કરાયા છે તે વાજબી નથી. ખરેખર? જેની જરૂર છે અને તે જ ભણાવવામાં આવતું નથી એવા અસંખ્ય ઉદાહરણો ગુજરાત સહિત અન્યત્ર, તેનો ઈતિહાસ લખાવો અને ભણાવવો જોઈએ કે નહિ? આ સવાલના સંદર્ભે એક રસપ્રદ -અને બેશક ચોંકાવી મૂકે તેવી માહિતી- સરદાર ભગતસિંહ અને બલિદાનીઓની છે. આપણે સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવની ત્રિપુટીના ફાંસીના વખતે ઝળહળતા બલિદાનથી તો પરિચિત છીએ. હમણાં માર્ચમાં ગુજરાતમાં વિરાંજલિ સાંસ્કૃતિક કાર્યક્રમની ઘણી જાહેરાતો થઈ. ચાલો, થોડુક તો ભૂલતા ઈતિહાસ પ્રત્યે ધ્યાન અપાયું એમ લાગ્યું, પણ શું આ પૂરતું છે?
હું સરદાર ભગતસિંહના બલિદાનની સાથે બીજા સત્તાવીસ ભગતસિંહોની શહીદીની વિગતો જોડવા માંગુ છું. પંજાબી ભૂમિને એટલા માટે પણ વંદન કરવા ઘટે કે ત્યાંનું દરેક ગામ એક કે તેથી વધુ શહીદોનું સ્થાન રહ્યું અને ગદર પાર્ટી, નૌજવાન ભારત સભા, હિંદુસ્તાન રિપબ્લિક અશોશિએશન, આઝાદ હિન્દ ફોજના નેજા હેઠળ તેઓ તોપના ગોળે દેવાયા, ફાંસીના તખતે ચડ્યા અથવા આંદામાનની કાળકોટડીમાં છેલ્લા શ્વાસ લીધા.
આવા 28 ભગતસિંહ હતા. તેમાં મોખરે આપણો ભગતસિંહ અને બે સાથીઓ 23 માર્ચ, 1931ના લાહોરની જેલમાં ફાંસીએ ચડ્યા. બીજા? અમૃતસર નજીક રૂપોવાલ ગામનો ભગતસિંહ 13 એપ્રિલ, 1919 જલિયાવાલા બાગમાં બ્રિટિશ સૈનિકોની ગોળીથી વિંધાયો. ત્રીજો ભગતસિંહ 1882માં અમૃતસર નજીક રુડીવાલા ગામમાં જન્મ્યો હતો. 1914માં લાહોરના જંગમાં ભાગ લીધો, 1915માં અંબાલા જેલમાં ફાંસી મળી. ત્રીજો ભગતસિંહ (1941) લાહોરમાં ભારત મુક્તિનું ભાષણ આપતો હતો ત્યારે પોલીસે લાઠીમારથી ઘાયલ કર્યો અને થોડા દિવસ પછી અંતિમ વિદાય. બરાબર , લાલા લાજપત રાય પીઆર સાઈમન વિરોધી જુલૂસમાં પોલીસની લાઠી પડી ને મૃત્યુ પામ્યા તેવી જ આ ઘટના.
પાંચમા ભગતસિંહે શું કર્યું? રૂપોવાલ ચોગાવાનનો વતની. 13 એપ્રિલ 1919 તે જલિયાવાલા બાગની સભામાં શહીદ થયો. આ ગામનો આ બીજો ભગતસિંહ! એક વધુ ભગતસિંહ નાનકાના સાહેબના મોરચામાં ભાગ લે છે અને 1921માં વીંધાય છે. હોશિયારપુરમાં જન્મેલો ભગત સિંહ તો છેક બર્મામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજમા જોડાયો અને બ્રિટિશરોએ તેને 1944માં નજરબંધ અવસ્થામાં મારી નાખ્યો. તેરા, જિલ્લા અમૃતસરનો ભગત સિંહ ગુરુ-કા-બાગ મોરચામાં ભાગ લઈને 1922માં શહીદ થાય છે.
ભગતસિંહ એક મબાના, જિલ્લા ફિરોઝપુરનો. આઝાદ હિન્દ ફોજમા બ્રિટિશ ફોજની સામે લડતા લડતા વીરગતિ પામ્યો. નાભા જેલમાં એક ભગતસિંહ આંખો મિચી લે છે. તે 1923ના જૈતો મોરચામાં પકડાયો હતો. સઈદોંવાલ કપૂરથલા જિલ્લાનું સાવ નાનકડું ગામ છે. પરિવારનો લાડલો ભગત ગામ અને પંજાબ છોડીને સેનામાં જોડાયો હતો. નેતાજીની આઝાદ હિન્દ ફોજનો બહાદુર ભગતસિંહ બ્રિટિશ સેનાની સામે યુદ્ધ કરીને આહુતિ આપે છે.
આ પણ વાંચો : હેં રાહુલજી, આમાં સત્ય, અહિંસા અને સત્યાગ્રહ ક્યાં આવ્યા?
હજુ બીજા ઘણા “ભગતસિંહ” બલિદાની યાદીમાં બાકી છે. કોના કોના નામ લઈશું? એક વધુ ભગત જલિયાવાલામા વીંઢયો તે હોશિયારપુર જિલ્લાના બહાલોલપુરનો હતો. બીજા કેટલાક ભગત અન્ય પ્રદેશોના પણ છે. ખરા અર્થમાં તેઓ મેઘાણીએ ગાયેલા “કોઈના લાડકવાયા” હતા. ઈતિહાસમાં સ્મૃતિ તરીકે તેમના દસ્તાવેજો નવી પેઢીના ઈતિહાસમાં સ્થાન માટેની પ્રતિક્ષા કરતા હશે?
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)
