“રાજ” વિનાના “રાજા” અને “રાણી”!
6 મે, 2023 શનિવારે રાજ્યારોહણનો ઉત્સવ શરૂ થયો, તે ત્રણ દિવસ ચાલશે. દુનિયાભરના દેશોના વડાઓ તેમાં હાજરી આપી રહ્યા છે. આપણા ઉપરાષ્ટ્રપતિ ધનકર અને તેમના પત્ની પણ ભાગ લઈ રહ્યા છે. શું કામ કરવાનું હોય છે આ “કિંગ” અને “ક્વિન”ની વ્યવસ્થાએ?
આ બ્રિટન પણ અજબ ગજબની સત્તા છે! મોટેભાગે વેપારી અને પાદરીને આગળ ધરીને દુનિયાના અનેક દેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું. ઈતિહાસ કહે છે કે તેમની પાસે શક્તિ ઓછી હતી, બહાદુરી પણ સામાન્ય. પરંતુ સામેવાળામાં લાલચ, ભાગલા અને લુચ્ચાઈના શસ્ત્રો વાપરીને બધુ હસ્તગત કર્યું. આફ્રિકા વિશે તો નોંધાયું છે કે તેઓ (અંગ્રેજો) અહીં આવ્યા ત્યારે તલવાર અમારી દેશી પ્રજા પાસે હતી અને બાઈબલ તેમના હાથમાં હતું. પરિસ્થિતી એવી બદલી નાખી કે તલવાર તેમણે ખૂંચવી લીધી અને બાઈબલ અમને પકડાવી દીધું! આ પરિસ્થિતી બધે હતી એટ્લે બ્રિટિશ સત્તાનો એવો વિસ્તાર થયો કે તેના સામ્રાજ્યનો સૂરજ ક્યારેય આથમતો નહીં. ભૂગોળ મુજબ એક જગ્યાએ સૂર્ય આથમે અને બીજે ઉદય થાય તો ત્યાં પણ બ્રિટિશ રાજ્ય જ હોય!
તેનો રાજા કે રાણી આ દુનિયા આખીના મોટાભાગના દેશોના રાજા-રાણી! એટ્લે તો 1885માં મુંબઈમાં જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે “લોંગ લીવ વિકટોરિયા” ગીત અને યુનિયન જેક ફરકાવવામાં આવ્યો. એક રસપ્રદ ઘટના-જ્યાં અત્યારે કિંગ ચાર્લ્સ-3 અને ક્વીન કોમિલાનો રાજ્યાભિષેક થયો -તે જ સ્થાને 1905માં ભારતીય યુવકો અભ્યાસ કરવા ઓક્સફર્ડ અને બીજે ભણવા જતાં તેઓને યુરોપીયન છોકરાઓ ચીડવતા કે તમારો કોઈ રાષ્ટ્રધ્વજ જ નથી?
તેના જવાબ રૂપે આ બકિંગહામ પેલેસથી થોડે દૂર હાઈ ગેટમાં આવેલા ઈન્ડિયા હાઉસમાં એકત્રિત થયેલા ભારતીય યુવકો (જેમાં સાવરકર પણ હતા, આ ઈતિહાસની રાહુલ ગાંધીને ખબર હશે ખરી?) એ નક્કી કર્યું અને સ્ટૃટગાર્ટમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ કામા અને સરદારસિંહ રાણાએ ભારતીય શહીદોની સ્મૃતિમાં તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
6 મે, 2023 શનિવારે રાજ્યારોહણનો ઉત્સવ શરૂ થયો, તે ત્રણ દિવસ ચાલશે. દુનિયાભરના દેશોના વડાઓ તેમાં હાજરી આપી રહ્યા છે. આપણા ઉપરાષ્ટ્રપતિ ધનકર અને તેમના પત્ની પણ ભાગ લઈ રહ્યા છે. શું કામ કરવાનું હોય છે આ “કિંગ” અને “ક્વિન”ની વ્યવસ્થાએ? દુનિયાના મોટા લોકશાહી દેશનો દાવો કરતાં યુનાઈટેડ કિંગડમનો સર્વોપરી તો કિંગ જ હોય છે પણ વિધિસરની સત્તા ચૂંટાયેલા અને ના ચૂંટાયેલા લોર્ડસ, સાંસદો ધરાવે છે.
હા, કિંગને સલામ તો ભરવી પડે. ઝુકીને આદર આપવો પડે, તેના રાજ્યારોહણના જુલૂસમાં હાજરી આપવી પડે, તેના વિધિવિધાનમાં હાજર રહેવું પડે. 6 મે 2023ના દિવસે જે રાજ્યારોહણ થયું તેમાં પાદરીએ કિંગ ચાર્લ્સને જે બીજી પ્રતિજ્ઞા લેવડાવી તેમાં કહેવાયું:”હી ઈઝ અ ફેથફુલ પ્રોટેસ્ટંટ. “ આર્કબિશપ સેંટરબરી એ જ્યારે હીરા જડિત તલવાર આપી ત્યારે કિંગ જ્યોર્જની પાસે આશા વ્યક્ત કરવામાં આવી કે તે “પ્રોટેક્ટ ધ હોલીચર્ચ “ રહેશે. આ સેક્યુલરીઝ્મ? ચર્ચ સિવાયના આસ્થાસ્થાનો અને સંપ્રદાયોનું શું? એક બાઈબલ મુજબનું પઠન કરવામાં આવે છે તે વડાપ્રધાન ઋષિ સુનકે કરી. આમ તો સંસ્કૃતમાં રિશી નહીં પણ ઋષિ કહેવું જોઈએ પણ બ્રિટનમા એવા ઘણા નામો છે જે મૂળમાંથી બદલી નાખવામાં આવ્યા છે.
સત્તરમી સદીથી આ તાજ પ્રથા ચાલુ છે. રાણી એલિઝાબેથનું અવસાન સપ્ટેમ્બરમાં થયું એટ્લે કિંગ ચાર્લ્સ હવે આ તખ્ત પર બેસશે. 1948માં તે જન્મ્યા હતા, મૂળ નામ ચાર્લ્સ ફિલિપ આર્થર જ્યોર્જ. રોયલ નેવીમાં હતા, પુરાતત્વ અને નૃવંશશાસ્ત્રના અભ્યાસી પદવીધરી છે. તાન્ઝાનીયામાં તો એક ખેડૂત તરીકે નવાજીને “કીપર ઓફ ધ કાવ્ઝ“નું સન્માન પણ અપાયું હતું.
પરિવાર કુલ મળીને 14 સભ્યોનો. 2 પોતાના સંતાનો, 2 દત્તક સંતાનો, 5 પૌત્રો અને બીજા પાંચ દત્તક પૌત્રો. પ્રદૂષણ વિરોધી કિંગ જાણીતા કિંગ 48 દેશમાં ભ્રમણ કરી આવ્યા છે. લેખક અને જાદુગર ક્લબના સભ્ય! એ હવે દુનિયાનું શહેનશાહ નથી. ભારતમાંથી 1947માં ઉચાળા ભરવા પડ્યા તે પછી બીજા ઘણા દેશોને આઝાદ કરવા પડ્યા. નવરંગ ફિલ્મનું ગીત યાદ આવે છે? ના રાજા રહેગા, ના રાની રહેગી, યે માટી સભી કી કહાની કહેગી! આ સત્યને જાણ્યા પછી પણ રાજ્યારોહણ કેમ કાયમ કર્યું હશે?
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)