ગુજરાતને ગમતા મેઘાણીની નવલકથાનો નવો અવતાર?

એક નાનકડા મકાનમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જન્મ્યા હતા. પહાડના બાળક તરીકે તેમણે પોતાની ઓળખાણ આપી હતી. 1897ની 17 ઓગસ્ટે શ્રાવણી પાંચમે જન્મ્યા અને 9 માર્ચ, 1947ની વહેતી રાતે હ્રદયરોગના હુમલાથી દેહ છોડયો.

ગુજરાતને ગમતા મેઘાણીની નવલકથાનો નવો અવતાર?
Image Credit source: TV9 GFX
Follow Us:
| Updated on: Sep 03, 2022 | 8:14 PM

આખો ઓગસ્ટ મહિનો ગુજરાતી પ્રજાને માટે તરબતર રહ્યો. આ દિવસો તેના લાડકા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની (zaverchand meghani) જન્મજયંતી ઉજવવાના રહ્યા. અમદાવાદથી રાજકોટ જતાં ચોટીલામાં ચામુંડા માતા ડુંગર પીઆર વીરાજે ચ્હે, હજારો જાત્રાળુઓ ત્યાં રોજ ઠલવાય છે. આ જ ગામમાં એક છેવાડે પોલીસ થાણાની જગ્યા છે. ત્યાં એક નાનકડા મકાનમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જન્મ્યા હતા. પહાડના બાળક તરીકે તેમણે પોતાની ઓળખાણ આપી હતી. 1897ની 17 ઓગસ્ટે શ્રાવણી પાંચમે જન્મ્યા અને 9 માર્ચ, 1947ની વહેતી રાતે હ્રદયરોગના હુમલાથી દેહ છોડયો.

માંડ 50-51 વર્ષના આયખામાં મેઘાણી અનેક રંગી પડાવોના મુસાફર રહ્યા. 1923થી લોકસાહિત્યની સઘન કામગીરી શરૂ થઈ ગયેલી. આરંભના આઠ વર્ષોમાં લોકસાહિત્યના 20 પુસ્તક મળ્યા. પછી છેલ્લા આઠ વર્ષોમાં 1939થી 1946 સુધીમાં વિવેચન શરૂ થયું. મૌલિક સર્જનની શરૂઆત કવિતાથી થઈ. વેણીના ફૂલ પછી બીજા આઠેક કાવ્યસંગ્રહો. 1932થી નવલકથાઓ. 16 વર્ષમાં 14 નવલકથાઓ લખી. છવ્વીસ વર્ષ સુધી આંગળાને કંપ-વા થયો ત્યાં સુધી લખતા રહ્યા. તેમણે ગીત કહ્યું હતુને “અમે તો શબદના સોદાગર….”93 પુસ્તક તેમની પાસેથી ગુજરાતને મળ્યા.

કેવું હતું તેમના જીવનનું પરિભ્રમણ?

જન્મ ચોટીલા, વતન બગસરા, ગણાતી વણિક! અમરેલીમાં મેટ્રિક થયા. ભાવનગરની શામળદાસ અને થોડો સમય જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યો. અંગ્રેજી અને સંસ્કૃત વિષય હતા. 1918માં કોલકાતા નોકરી કરવા ગયા અને ત્યાંથી પત્ર લખ્યો: લિખિતંગ હું આવું છુ…” 18 સપ્ટેમ્બર, 1921ના રોજ લખાયેલો આ પત્ર સાહિત્ય અને પત્રકારત્વના ઈતિહાસમાં એક લેખકની કલમ-કહાણીનો ઐતિહાસિક અધ્યાય બની રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કેવી લેખિની? કેવું સર્જન? સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી સંતો,રઢિયાળી રાત, સૌરાષ્ટ્રના ખંડેરોમાં, પરકમ્મા, સોરઠ, તારા વહેતા પાણી, તુલસી ક્યારો, વેવિશાળ, પ્રભુ પધાર્યા, નિરંજન… મેઘાણીનું લોકસાહિત્ય, પત્રકત્વ અને સાહિત્ય ત્રણેનો અદ્દભૂત ખજાનો છે. રાણપુર એ રીતે પત્રકારત્વનું તીર્થ છે. પત્રકારત્વના અભ્યાસક્ર્મોમાં વિદ્યાર્થીઓને એકવાર ત્યાં લઈ જવા જોઈએ અને ઉર્જા મેળવવી જોઈએ આ બિચારા સંચાલકો ક્યાંથી સમજે? મેઘાણીને તો ઉન્નત-ભ્રૂ વિવેચકો પણ સર્જક નથી ગણતાં!

તેમની છેલ્લી નવલકથાની પણ એક દાસ્તાન છે. જેનો પ્રકાશન ઉત્તરાર્ધ છેક 2022ના ઓગસ્ટ સુધી પહોંચે છે! 1943માં તેમણે પ્રભુ પધાર્યા નવલકથા લખી. પછી છેક ત્રણ વર્ષ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ, દુષ્કાળ, ફુગાવો, કાળા બજાર, આઝાદ હિન્દ ફોજ જેવા પ્રવાહો મનમાં ઘોળાયા કરતા હતા એટ્લે 1946ના ઉનાળામાં એક નવલકથાનો આરંભ કર્યો. તે “કાળચક્ર “. ઉર્મિ સામયિકમાં તે છપાતી રહી. 1946 જુલાઈથી 1947 માર્ચના અંત સુધીમાં આઠેક હપ્તા લખ્યા. તેમની સાથેની સામાન્ય વાતચીતમાં એટલી ખબર પડતી કે આઝાદ હિન્દ ફોજ અને 1942ની લોકક્રાંતિના પ્રસંગોને વણી લેવાની એમની ઈચ્છા હતી. તે અધૂરી રહી.

9 માર્ચ, 1947, હજુ આઝાદી મળે, પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાય તેના પાંચ મહિના પહેલા તેમનું અવસાન થયું. કાળચક્ર અધૂરી પ્રકાશિત થઈ. વાચકોને એટલી બધ ગમી કે 1947, 1950, 1961, 1978, 2003 એટલી વાર પ્રકાશિત થઈ. તેમાં મેઘાણી-પુત્ર મહેન્દ્ર મેઘાણીએ પ્રસ્તાવનામાં લખ્યું કે “આ અધૂરી નવલકથા આગળ ચાલે એવી ઈચ્છા તેના પ્રેમી વાચકોએ વારંવાર દેખાડી છે. એક દિવસ એવો આવશે અને આ કામ જાણે એની વાટ જ જોતું બેઠું હોય તેવી અદાથી તૂટેલા ત્રાગડા સાંધશે, એવી આશા છે.

વિધિની વિડંબના તો જુઓ કે આવી આશા રાખનારા મહેંદ્ર મેઘાણી તેમની આશાપૂર્તિ થયાની હાશ અને ખુશી અનુભવે તે પહેલા થોડાક જ દિવસો પૂર્વે વિદાય લઈ લીધી! મેઘાણીની આ અધૂરી નવલકથામાં 15 પ્રકરણ હતા. કેરાળી ડમરાળાના કાઠિયાવાડી પાત્રો વિમળા, માણેક બહેન, ભાઈજી, સુમનચંદ્ર , ગોપાલ ભા, દલીચંદ , ગુલઝાર, હુરબાઈ, મનોહરલાલ જેવા પાત્રો તેમાં આલેખાયા છે. મુંબઈ અને રંગૂન સુધીનો કથાપટ લેખકના ચિત્તમાં હતો પણ મહાકાલ તેમને લઈ ગયો. કથા અધૂરી રહી ગઈ.

છેક 2022ની એક બપોરે આ નવલકથાના પ્રકાશક ગુર્જર ગ્રંથ રત્નના મનુભાઈ ગાંધીનગરમાં સત્તરમાં સેક્ટરમાં આવેલા અભિલેખાગાર ભવનના પહેલા માળે આવેલી સાહિત્ય અકાદમીના કાર્યાલયમાં આવે છે. મુલાકાત તો કોઈ એજન્ડા વિનાની સહજ હતી. 2017ના મે મહિનાથી 2022ના જુલાઈના ત્રીજા સપ્તાહ સુધી અહી લેખકો, કવિઓ,વાર્તાકારો, સાહિત્યપ્રેમી અધિકારી અને રાજકીય નેતાઓનો મેળો જામતો. પોતાની પહેલી કિતાબ અકાદમી છાપે તેવી આશા લઈને છેક અંતરિયાળ ગામડેથી કોઈ શિક્ષક, કોઈ ખેડૂત, કોઈ વિદ્યાર્થી પણ આવે. આવનારને માટે અધ્યક્ષે દરવાજા ખુલ્લા રાખ્યા હતા. કોઈ ચિઠ્ઠી વિના તેઓ અધિકાર પૂર્વક આવે, વ્યવસ્થાકર્મી (પટાવાળા) પહેલેથી સમજી જાય અને પાણી તેમજ ચા આવે જ આવે. સાહિત્યના પ્રેમીઓનું આ સાહિત્ય તીર્થ બની ગયેલું.

ગુર્જરના મનુભાઈએ વાતવાતમાં અફસોસ વ્યક્ત કર્યો કે 1947માં આ નવલકથા પ્રકાશિત થઈ, આજે 2022 ચાલે છે, .બરાબર 75 વર્ષ. યોગાનુયોગ આ આઝાદીનો અમૃત ઉત્સવ ચાલે છે પણ નવલકથા અધૂરી જ છે, કોઈ તેને પૂરી કરવા તૈયાર થતું નથી. અચાનક મારા ચિત્તમાં વીજળી ચમકી. મેઘાણી અને કૃષ્ણલાલ શ્રીધરાણી તો ગુજરાતી સાહિત્યના બે તેજ નક્ષત્રો. બંને વિશે મારો વિશેષ ભાવ. પત્રકાર શ્રીધરાણી વિશે તો મારૂ પુસ્તક પણ છે. મેઘાણીની લેખિનીના ઈતિહાસને પામવા માટે હું અને હવે સ્વર્ગસ્થ આરતી છેક રાણપુર પહોંચ્યા હતા, અને તેમના વિશે એક પ્રકરણ “ગુજરાતના ક્રાંતિતીર્થો” માં આપ્યું છે, તો આ નવલકથાને સંપૂર્ણ કરવાનો પ્રયાસ કેમ ના થાય?

મે તૈયારી દાખવી. સીએચએચ મહિના લગાતાર મેઘાણી અને તેમના પાત્રોને જીવ્યો. પરકાય પ્રવેશ તો મોટો અને ભારેખમ શબ્દ લાગે પણ ઇતિહાસ અને સાહિત્યના મધ્યે વિહરતી આ નવલકથાના તમામ પાત્રોની જીવનલીલા સાથે રંગૂનમાં ,ઈરાવદી નદીના કાંઠે, આરાકાનના પર્વતો પર, ઈમ્ફાલની રણભૂમિ પર રચાયેલા આઝાદ હિન્દ ફોજના સંપૂર્ણ ચકાસેલા ઇતિહાસ અને ગુજરાતી મનસુખલાલ જેવી સાચુકલી બલિદાન ઘટનાને આલેખ્યાં છે. મેઘાણીના ગીતોનો સમાવેશ કર્યો છે.

ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં કોઈ સર્જક અધૂરી નવલકથા છોડી જાય અને તેના 75 વર્ષ પછી તે પૂરી કરી શકાય ત્યારે એટલું તો જરૂર અનુભવું છુ કે કાળચક્રમાં માત્ર વિષ્ણુ પંડયાએ અનુપૂર્તિમાં બીજા સાત પ્રકરણ ઉમેર્યા તેમાં આપણા સ્વર્ગસ્થ સર્જક્નો એકાદ અંશ તો જરૂર જીવાયો છે!

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">