
આસામના મુખ્ય પ્રધાન પદે હિમંતા બિસ્વા સરમાએ શપથ લીધાની ગણતરીના કલાકોમાં હિમતાએ, કોંગ્રેસના નેતા પવન ખેરા સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઈકાલે, હિંમતાએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, અને આજે બુધવાર 13 મી મે ના રોજ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા સામે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આજે 13 મેને બુધવારે પવન ખેરા આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સામેથી હાજર થયા હતા. મુખ્ય પ્રધાનહિમંતાની પત્ની રિંકી ભૂયાન સરમા દ્વારા દાખલ કરાયેલા કેસ અંગે પવન ખેરાની પૂછપરછ કરવામાં આવી હતી.
આસામ વિધાનસભાની ચૂંટણી દરમિયાન, કોંગ્રેસના નેતા પવન ખેરાએ, રિંકી ભૂયાન સરમા પર એક કરતા વધુ પાસપોર્ટ અને વિદેશમાં અઘોષિત સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યા બાદ આ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગુવાહાટી હાઈકોર્ટે અગાઉ પવન ખેરાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, જેના પગલે તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 1 મેના રોજ તેમને આગોતરા જામીન આપ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં પ્રવેશતા પહેલા મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું, “તપાસ આગળ વધવા દો. હું તેમની સાથે વાત કરવા માટે અંદર જઈ રહ્યો છું. મને બોલાવવામાં આવ્યો છે, તેથી હું કાયદાનું પાલન કરવા આવ્યો છું. અમે ન્યાયતંત્ર અને કાયદાનું ખૂબ સન્માન કરીએ છીએ.”
કોંગ્રેસ નેતા પવન ખેરા વિશે બોલતા, તેમના વકીલ રીતમ સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પવન ખેરાને આગોતરા જામીન આપ્યા છે. તેમના પર એક શરત લાદવામાં આવી હતી કે તેઓ આસામ પોલીસ સમક્ષ હાજર થાય અને તપાસમાં સહયોગ કરે. આજે, પવન ખેરા ગુવાહાટી પહોંચ્યા છે અને કથિત પ્રેસ કોન્ફરન્સ અને વિવિધ દેશોમાં રિંકી ભૂયાન સરમા પાસે રહેલી સંપત્તિ અંગે તેમનું નિવેદન નોંધાવ્યું છે. પવન ખેરા તેમની સાથે એ પુરાવાઓ પણ લાવ્યા છે, જેના આધાર પર પવન ખેરાએ રિંકી સરમા અંગે નિવેદનો આપ્યા હતા. આ તપાસ ઘણી લાંબી ચાલવાની છે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ખેરાએ દાવો કર્યો હતો કે. આસામના મુખ્ય પ્રધાનની પત્ની પાસે ફક્ત એક જ નહીં, પરંતુ ત્રણ પાસપોર્ટ છે. આ ત્રણેય બધા માન્ય મુસાફરી દસ્તાવેજો છે. એક અબુ ધાબીનો, બીજો ઇજિપ્તનો અને ત્રીજો એન્ટિગુઆ અને બાર્બુડાનો છે. આને ધ્યાનમાં રાખીને, સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થાય છે. શું તે ભારતીય નાગરિક છે ?
પવન ખેરાના આ આરોપોનો જવાબ આપતા, મુખ્ય પ્રધાન હિમંતાએ જણાવ્યું હતું કે, આ આરોપો બનાવટી અને દુર્ભાવનાપૂર્ણ છે. તેમણે એ સમયે જ જાહેરાત કરી હતી કે તેઓ ખેરા સામે માનહાનિનો દાવો દાખલ કરશે, ભારપૂર્વક જણાવ્યું હતું કે, આસામના લોકો ગેરમાર્ગે નહીં દોરાય. ત્યારબાદ, સીએમ સરમાની પત્નીએ ખેરા સામે કેસ દાખલ કર્યો.