ઉત્તરાખંડ સરકારે શુક્રવારે જણાવ્યું કે જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટના એક કુદરતી આફત છે અને તમામ પહાડી વિસ્તારના શહેરનો અભ્યાસ કરવામાં આવશે. પ્રદેશના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુએ દેહરાદૂનમાં કહ્યું કે કુદરતી આફત એ છે, જે માનવસર્જિત ના હોય. તેમને કહ્યું જોશીમઠમાં જમીન ધસી જવી તેને કુદરતી આફત જ કહેવાય.
મુખ્ય સચિવે કહ્યું કે અત્યાર સુધી જે રિપોર્ટ સામે આવી રહ્યા છે. તે મુજબ જોશીમઠની નીચે કડક ખડક નથી અને તેથી ત્યાં જમીન ધસી રહી છે. તેમને કહ્યું કે આ કારણ છે કે જે શહેરોમાં જમીન નીચે કડક ખડક છે, ત્યાં જમીન ધસી જવાની સમસ્યા થતી નથી. સંધુએ કહ્યું કે 1976માં પણ જોશમઠમાં થોડી જમીન ધસી જવાની વાત સામે આવી હતી.
તેમને કહ્યું કે જોશીમઠમાં પાણી નીકળવા વિશેની જાણકારી મેળવવા માટે અલગ અલગ સંસ્થાઓ તપાસમાં લાગી છે. સંધુએ કહ્યું કે નિષ્ણાંતો જોશીમઠમાં તમામ પ્રકારનો અભ્યાસ કરી રહ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલો રાજ્ય મંત્રીમંડળની સામે મુકવામાં આવશે અને તેના આધાર પર જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: ISROની સેટેલાઇટ તસવીરોમાં મોટો ખુલાસો, હવે ગમે ત્યારે ધસી શકે છે જોશીમઠ !
તેમને કહ્યું કે તમામ સંસ્થાઓને ઝડપી પોતાનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે અને તે તમામ રિપોર્ટના અભ્યાસ માટે એક સમિતિ બનાવવામાં આવશે, જે પોતાનો નિષ્કર્ષ આપશે. એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું કે ઈસરો તરફથી સરકારને જમીન ધસી જવા વિશે કોઈ અધિકૃત રિપોર્ટ પણ મળ્યો નથી. તેમને કહ્યું કે તમામ પહાડી વિસ્તારોના શહેરનો અભ્યાસ કરવામાં આવશે, કારણ કે ભૂસ્ખલનની સમસ્યા વધારે સામે આવે છે.
આ પહેલા ઉત્તરાખંડ મંત્રીમંડળે શુક્રવારે જોશીમઠના ભૂસ્ખલનથી પ્રભાવિત થયેલા લોકોને સહાયતા રકમ ઉપલબ્ધ કરાવવા માટે એક અઠવાડિયાની અંદર રાહત પેકેજ પ્રસ્તાવ તૈયાર કરી કેન્દ્રને મોકલવા અને તેમને ભાડાના મકાન માટે આપવામાં આવતી રકમ વધારીને 5 હજાર રૂપિયા પ્રતિ માસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી રણજીત સિંહાએ જણાવ્યું કે જિલ્લા-સ્તરીય સમિતિ દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કર્યા બાદ ભૂસ્ખલનથી પ્રભાવિત ઈમારતોને સહાય પૂરી પાડવા માટે એક સપ્તાહની અંદર પેકેજ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.