શું છે ભારતની સૌથી રહસ્યમય ઘટના પુરૂલિયા આર્મ્સ ડ્રોપની કહાની?
ઉદયક્રિષ્ન ત્રિવેદી: કોઈ વિમાન ભારતની સીમામાં પ્રવેશી, ભારતના જ એક જિલ્લામાં હથિયારનો મોટો જથ્થો ફેંકી જતું રહે અને કોઈને જાણ સુધ્ધા ન થાય શું એવું બની શકે ? શું એવું બની શકે કે, વિમાન ભારતના જે હવાઈ રૂટથી પસાર થવાનું હોય તે રૂટના તમામ રડાર તે દિવસે બંધ હોય અને શું 25 વર્ષ બાદ પણ આ […]
ઉદયક્રિષ્ન ત્રિવેદી: કોઈ વિમાન ભારતની સીમામાં પ્રવેશી, ભારતના જ એક જિલ્લામાં હથિયારનો મોટો જથ્થો ફેંકી જતું રહે અને કોઈને જાણ સુધ્ધા ન થાય શું એવું બની શકે ? શું એવું બની શકે કે, વિમાન ભારતના જે હવાઈ રૂટથી પસાર થવાનું હોય તે રૂટના તમામ રડાર તે દિવસે બંધ હોય અને શું 25 વર્ષ બાદ પણ આ હથિયાર કોના કહેવાથી ફેંક્યા? કોના માટે ફેંક્યા? તે રાઝ રહે.
પુરૂલિયા જિલ્લામાં ફેંકવામાં આવેલા હથિયાર
હા બની શકે આ ઘટના 17 ડિસેમ્બર 1995ના રોજ બની હતી. આ જ તારીખે ભારતના પશ્ચિમ બંગાળમાં આવેલા પુરૂલિયા જિલ્લાના ગામ પર હથિયારો ફેંકવામાં આવ્યા હતા સવારે લોકો જ્યારે જાગ્યા ત્યારે હથિયારનો મોટો જથ્થો તેમના ખેતરમાં પડ્યો હતો લોકોએ તે હથિયાર લઈ સંતાડી દીધા. આ વાતની જાણ લોકલ પોલીસને થઈ ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનને અને ત્યારબાદ આ ઘટનાએ કેન્દ્ર સરકારના દરવાજા ખખડાવ્યા. દેશની RAW અને IB જેવી સંસ્થાઓ ઊંઘતી ઝડપાઈ હતી. કોઈ જાણતું નહોંતું કે, આ હથિયાર કોણે ફેંક્યા અને શા માટે ?
પુરૂલિયા આર્મ્સ ડ્રોપનો માસ્ટર માઈન્ડ કિમ ડેવી
ત્રણ દિવસ બાદ એટલે કે, 21 ડિસેમ્બરના રોજ એક એન્ટોનોવ એન -26 નામનું વિમાન ફરી ભારતની સીમામાં દાખલ થયું. વિમાનની શંકાસ્પદ હીલચાલ જોતા તે વિમાનને ભારતિય વાયુ સેનાના મિગ-21 વિમાન દ્વારા મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવા મજબૂર કરવામાં આવ્યું. આ એજ વિમાન હતું જેણે 17 ડિસેમ્બરની રાત્રે પુરૂલિયામાં હથિયારો ફેંક્યા હતા. વિમાનમાં 7 લોકો સવાર હતા, પરંતુ પોલીસ વિમાન સુધી પહોંચે તે પહેલા જ આ ષડયંત્રનો માસ્ટર માઈન્ડ કિમ ડેવી મુંબઈ એરપોર્ટ પરથી ગાયબ થઈ ગયો. કિમ ડેવીને શોધવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા પરંતુ કિમ ડેવીના કોઈ સગડ પોલીસને મળ્યા નહી.
આ પણ વાંચો: ભૂમાફિયા પાછળ મોટા માથા અને નેતાઓનો હાથ, ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન
મુંબઈ એરપોર્ટ પર 21 ડિસેમ્બરના રોજ કુલ 6 લોકો પકડાયા હતા. જેમાં 5 લાતિયન દેશના નાગરિક હતા અને એક પિટર બ્લીચ નામનો બ્રિટીશ નાગરિક. પોલીસ પૂછપરછમાં જે તથ્યો બહાર આવ્યા તેણે દેશને હચમાચાવી મુક્યો. આ ષડયંત્રમાં સેકડોની સંખ્યામાં AK-47, 15 હજારથી વધુ કારતુસ, 8 રોકેટ લોન્ચર, ટેંકને ફૂંકી મારવામાં વપરાતા અનેક બોમ્બ, અનેક 9 MM પિસ્તોલ અને રાતમાં જોઈ શકતા નાઈટ વિઝન ગ્લાસીસ જેવા હથિયારો પેરાસુટ દ્વારા અનેક બોક્સ ફેકવામાં આવ્યા હતા. આ સંખ્યા એ છે કે, જે પોલીસે લોકો પાસેથી જપ્ત કરી હતી. પિટર બ્લીચ નામના આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમણે ઝડપાયેલા જથ્થા કરતા અનેક ગણો જથ્થો પુરૂલિયા જિલ્લામાં ફેંક્યો હતો, પરંતુ 25 વર્ષ બાદ પણ હજુ તે બાકીનો જથ્થો પોલીસને નથી મળી આવ્યો.
આર્મ્સ ડ્રોપનો MI-5નો એજન્ટ પિટર બ્લીચ
આ ષડયંત્રની તપાસમાં માલૂમ પડ્યું કે, પકડાયેલા આરોપીઓમાંથી પિટર બ્લીચ બ્રિડનની જાસૂસી સંસ્થા MI-5 માટે કામ કરતો હતો. સાથે એ પણ જાણવા મળ્યું કે, રહસ્યમય ષડયંત્રનો માસ્ટર માઈન્ડ કિમ ડેવી મુંબઈ એરપોર્ટથી ભાગી નેપાળ પહોંચ્યો અને કાઠમાંડુ એરપોર્ટથી ડેનમાર્ક પોતાના દેશ જતો રહ્યો. બીજી તરફ પકડાયેલા આરોપીઓને કોર્ટે આજીવન કેદની (14 વર્ષ) સજા ફટકારી પરંતુ ત્યારબાદ તમામ લોકોને એકબાદ એક આરોપીને ભારતના રાષ્ટ્રપતિએ માફી આપી અને કિમ ડેવીને કોઈ દિવસ સરકાર પરત ભારતમાં ન લાવી શકી.
એન્ટોનોવ એન-26 વિમાનનો રૂટ
કિમ ડેવીએ આ રહસ્યમય ષડયંત્રનો પ્લાન ખુબ જ જીણવટ પૂર્વક બનાવ્યો હતો. વિમાને બુલગારીયાથી ઉડાન ભરી હતી. ત્યારબાદ તુર્કી, ઈરાન, પાકિસ્તાન થઈ ભારતના વારાણસી નજીક આવેલા એરપોર્ટ પર તે ઉતર્યું હતું અને 6 કલાક સુધી આ વિમાન ત્યાં જ રહ્યું હતું. ત્યારબાદ તે ઉડાન ભરી પશ્ચિમ બંગાળના પુરૂલિયામાં આર્મસ ડ્રોપ કરવામાં આવ્યા ત્યારબાદ તે વિમાન કોલકત્તા થઈ થાઈલેન્ડ જતું રહ્યું હતું. ત્રણ દિવસ બાદ જ્યારે આ વિમાન થાઈલેન્ડથી કરાચી તરફ જવા નીકળ્યું ત્યારે મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યું.
પુરૂલિયા આર્મ્સ ડ્રોપ અંગે અનેક થિયરીઓ બહાર આવી. આર્મ્સ ડ્રોપ મામલે CBI તપાસ બાદ કહ્યું કે, આ હથિયાર પશ્ચિમ બંગાળના આનંદમાર્ગી ધાર્મિક સંસ્થા માટે ફેકવામાં આવ્યા હતા, પરંતુ CBIની આ દલીલ કોર્ટે સ્વીકારી નહોંતી. બીજી થિયરી મૂજબ બાંગ્લાદેશના ઉગ્રવાદી માટે હથિયાર ફેંકવાના હતા, પરંતુ પાયલોટની ભૂલને કારણે પુરૂલિયામાં ફેંકાઈ ગયા. ત્રીજી થિયરી મૂજબ આર્મ્સ ડ્રોપનું ષડયંત્ર CIA રચ્યું હતું અને હથિયારોને મ્યાનમારના કાચેન વિદ્રોહી ગૃપ માટે મોકલવાના હતા, પરંતુ પુરૂલિયામાં ફેંકાઈ ગયા. બીજ તરફ બ્રિટને દાવો કર્યો હતો કે, પુરૂલિયામાં આર્મ્સ ડ્રોપ એટલા માટે કરવામાં આવ્યા કે, ભારત સરકાર પશ્ચિમ બંગાળના લેફ્ટીસ્ટોની તાકાત ઓછી કરવા માંગતી હતી અને એટલે જ ત્યાં આનંદમાર્ગી જેવી સંસ્થાને હથિયાર આપી તેમની શક્તિ વધારવા માંગતી હતી. આટલી થીયરીમાં સત્ય શું છે તે કોઈ દિવસ બહાર આવ્યું નહીં.
તત્કાલીન ભારત સરકારે પણ આ મામલે કોઈ વલણ સ્પષ્ટ કર્યું નહોંતુ અને જે આરોપીઓ પકડાયા હતા તેઓ પણ પોતાના દેશ પરત જતા રહ્યા છે. રહસ્યમય ષડયંત્રનો માસ્ટર માઈન્ડ કિમ ડેવી પણ ભારત લાવી શકાય તેની કોઈ શક્યતા જણાતી નથી. દુનિયામાં કિમ ડેવી જ એક શખ્સ છે કે, જેની પાસે આ ષડયંત્રની તમામ માહિતી છે. જેથી કહીં શકાય કે, આ એક એવું રહસ્ય છે કે, જે હંમેશા પડદા પાછળ રહેશે.