પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં શું છે નવું ? ચૂંટણી પંચે શુ કર્યો નવો ફેરફાર
કેન્દ્રીય ચૂંટણી પંચે આજે સોમવારે પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. ચૂંટણી આગામી 7 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બર સુધી ચાલશે. પાંચ રાજ્યમાં અલગ-અલગ તારીખે મતદાન હાથ ધરાશે. વિધાનસભાની દરેક ચૂંટણી વખતે ચૂંટણી પંચ દ્વારા કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે પણ પાંચ રાજ્યની ચૂંટણીમાંં કેટલીક નવી પદ્ધતિઓ અપનાવવામાં આવશે. જાણો ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીમાં શું બદલાયું છે?

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન આગામી 7 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બર સુધી ચૂંટણી ચાલશે. આ પાંચેય રાજ્યની ચૂંટણીનુ પરિણામ આગામી 3 ડિસેમ્બરે એકસાથે જાહેર આવશે. આ વખતે ચૂંટણી પંચે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કેટલીક નવી પદ્ધતિઓ અપનાવવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, પહેલા માત્ર ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવામાં આવતી હતી, પરંતુ હવે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પાછળ કરવામાં આવતા ખર્ચ ઉપર પણ પંચ દ્વારા નજર રાખવામાં આવશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, મિઝોરમમાં આગામી 7 નવેમ્બરે મતદાન હાથ ધરાશે. મધ્યપ્રદેશમાં આગામી 17 નવેમ્બરે મતદાન હાથ ધરાશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન હાથ યોજાશે અને તેલંગાણામાં આગામી 30 નવેમ્બરે મતદાન યોજાશે. માત્ર છત્તીસગઢ રાજ્યમાં જ બે તબક્કામાં મતદાન હાથ ધરાશે, છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન આગામી 7મી નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન આગામી 17મી નવેમ્બરે થશે.
તમામ રાજકીય પક્ષોએ તેમના નાણાકીય અહેવાલો સોંપવાના રહેશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે, પંચે ચૂંટણી ખર્ચ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે. જેની મદદથી વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં કરવામાં આવતા તમામ ખર્ચ પર નજર રાખવામાં આવશે. ઉદાહરણ તરીકે, તમામ પક્ષોએ તેમના નાણાકીય અહેવાલો કમિશન સમક્ષ રજૂ કરવાના રહેશે અને આ માટેના નિયમોનું તમામ રાજકીય પક્ષોએ પાલન કરવું પડશે. ચૂંટણી કમિશનરે કહ્યું કે, કેટલાક રાજકીય પક્ષોએ તેમના પોર્ટલ પર ખર્ચને લગતા રિપોર્ટ સબમિટ કરવાનું શરૂ કરી દીધું છે.
પોસ્ટલ બેલેટના નિયમોમાં આવ્યો ફેરફાર
ઈવીએમ દ્વારા કરાતી ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી પણ મતદાન કરવામાં આવતું હોય છે. પોસ્ટલ બેલેટના સંભવિત દુરુપયોગને રોકવા માટે, ચૂંટણી પંચે ચૂંટણીના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. જેથી લોકો માત્ર સંબંધિત મતદાન મથક પર જ મતદાન કરી શકે. લોકો પોતાના ખિસ્સામાં બેલેટ પેપર રાખતા હતા. જેના કારણે હેરાફેરીનું જોખમ રહેતું હતું. હવે આયોગે તેના પર પ્રતિબંધ મૂકવાની પહેલ કરી છે. ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અને ચૂંટણી ફરજ પર રહેનારા મતદારો માત્ર સંબંધિત મતદાન મથક પર જ પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપી શકશે. આમ કરવાથી, મતદાર પાસે હવે લાંબો સમય સુધી પોસ્ટ બેલેટ પેપર રહેશે નહીં અને મતદાન કરવા માટેના અન્ય પ્રભાવથી બચી શકાશે.
ચૂંટણીમાં હેરાફેરી પર પંચની નજર રહેશે
ચૂંટણી દરમિયાન ધાંધલ ધમાલ અટકાવવા માટે પંચ cVigil મોબાઈલ એપનો ઉપયોગ કરશે. જો કે આ એપ અને સિસ્ટમ છેલ્લી કેટલીક ચૂંટણીઓથી અમલમાં લાવવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યું કે મજબૂત લોકશાહી માટે જાગૃત મતદારો મહત્વપૂર્ણ છે. જો કોઈ મતદાર આ cVigil મોબાઈલ એપ ઉપર ચૂંટણી, ઉમેદવાર કે અન્ય કોઈ ફરિયાદ કરે છે, તો તેનું 100 મિનિટમાં નિરાકરણ કરવામાં આવશે.
ચૂંટણી લડતા ઉમેદવારો માટે નિયમો
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે તમામ ઉમેદવારોએ તેમની સંપૂર્ણ વિગતો આપવી પડશે. મતદારો આ માહિતી કમિશનની મોબાઇલ એપ્લિકેશન KYC અથવા ‘Know Your Candidate’ દ્વારા મેળવી શકે છે. આ સાથે, મતદારો તેમના મતદાન વિશે વધુ સારી અને પરિપકવ રીતે નિર્ણયો લઈ શકશે. ઉમેદવારોએ ત્રણ અલગ-અલગ પ્રસંગો દરમિયાન, સ્થાનિક અખબારો અને ટીવી ચેનલો પર તેમની માહિતી જાહેર કરવાની રહેશે.
ચૂંટણી પંચે બનાવી છે ESMS એપ
રાજકીય પક્ષોએ, તેમના ઉમેદવારો વિશેની તમામ માહિતી પક્ષની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની જાણકારી માટે શેર કરવાની રહેશે અને આ માહિતી રાષ્ટ્રીય અને પ્રાદેશિક અખબારોમાં પણ છપાવવી પડશે. મત મેળવવા માટે અપાતા પ્રલોભનથી મુક્ત ચૂંટણી યોજાય તે માટે, કેન્દ્રીય પંચે, ઈલેકશન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ESMS એપ બનાવી છે. આ ESMS એપ પર તમામ રીઅલ-ટાઇમ માહિતી ઉપલબ્ધ રહેશે.