વરૂણ ગાંધીએ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીનું આમંત્રણ નકાર્યુ, કહ્યું ‘દેશની વાત કરવા માટે ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ યોગ્ય નથી’
વરૂણ ગાંધીએ કહ્યું કે દરેક જીવિત લોકશાહી તેના નાગરિકોને મુદ્દાઓ સાથે જોડાવાની સ્વતંત્રતા અને તક પૂરી પાડે છે પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સ્થાનિક પડકારોનો સામનો કરવાની કોઈ ક્ષમતા કે પ્રામાણિકતા જણાતી નથી અને આ પ્રકારનું પગલું શરમજનક કામ હશે.

ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાં ભાષણ આપવાના આમંત્રણને નકારી દીધુ છે. તેમને ઓક્સફોર્ડ યૂનિવર્સિટીને લખેલા જવાબમાં કહ્યું છે કે દેશની આંતરિક બાબતોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર શેયર કરવી યોગ્ય નથી. વરૂણ ગાંધીને ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત યોગ્ય રસ્તા પર છે કે નહીં તે વિષય પર આયોજિત ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વરૂણ ગાંધીએ કહ્યું કે દરેક જીવિત લોકશાહી તેના નાગરિકોને મુદ્દાઓ સાથે જોડાવાની સ્વતંત્રતા અને તક પૂરી પાડે છે પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સ્થાનિક પડકારોનો સામનો કરવાની કોઈ ક્ષમતા કે પ્રામાણિકતા જણાતી નથી અને આ પ્રકારનું પગલું શરમજનક કામ હશે. તેમને કહ્યું કે વિદેશી ધરતી પર દેશની વાત કરવી યોગ્ય નથી. તેમને કહ્યું કે ભારત વિકાસના યોગ્ય રસ્તા પર છે.
વરૂણ ગાંધીએ ઓક્સફોર્ડનું આમંત્રણ નકાર્યુ
એક સૂત્રએ જણાવ્યું હતું કે હાલના સમયમાં સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવનાર વરુણ ગાંધીએ આમંત્રણને નકારી કાઢ્યું હતું કારણ કે ઓક્સફર્ડ યુનિયન ઈચ્છે છે કે તે પ્રસ્તાવની વિરુદ્ધ બોલે કે “આ ગૃહ માને છે કે મોદીનું ભારત યોગ્ય રસ્તા પર છે”. આ આમંત્રણ તે સમયે આવ્યું છે, જ્યારે તેમના પિતરાઈ ભાઈ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લંડન યાત્રા દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈ ચર્ચા ગરમ છે.
આ પણ વાંચો: ભાજપના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યુ- ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ માફી માંગવી જોઈએ
એપ્રિલ અને જૂન વચ્ચે પ્રસ્તાવિત ચર્ચા માટેનું આમંત્રણ
સત્તાધારી પક્ષે રાહુલ ગાંધીની ટિપ્પણીને ભારતીય લોકશાહી માટે અપમાનજનક ગણાવી છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ અને જૂન વચ્ચે પ્રસ્તાવિત ચર્ચા માટેનું આમંત્રણ એસોસિએશનના પ્રમુખ મેથ્યુ ડિક વતી ભાજપના સાંસદને મોકલવામાં આવ્યું હતું.
ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે અમે રાહુલ ગાંધીની માફી માટે દેશભરમાં પ્રચાર કરીશું. પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી ક્યાં સુધી દેશને ગુમરાહ કરતા રહેશે.