Uniform Civil Code: સંસદના ચોમાસુ સત્રમાં UCC બિલ થઈ શકે છે રજૂ, સંસદીય સમિતિએ 3 જુલાઈએ બોલાવી મોટી બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભોપાલમાં ભાજપના બૂથ કાર્યકરોને સંબોધિત કરતી વખતે સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી હતી. યુસીસીનો ઉલ્લેખ કરીને, તેમણે લોકોને પૂછ્યું હતું કે શું એક પરિવારમાં બે નિયમો હોઈ શકે છે?
Uniform Civil Code: દેશમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. જુદા-જુદા પક્ષના નેતાઓ UCC ને લઈને નિવદનો આપી રહ્યા છે. હવે આ મુદ્દે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી છે. સંસદીય સ્થાયી સમિતિએ કાયદા પંચ અને કાયદા મંત્રાલયના પ્રતિનિધિઓને યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચા માટે 3 જુલાઈના રોજ બોલાવ્યા છે. સરકાર તેને જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં જ રજૂ કરી શકે છે. કાયદાની પેનલ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ પર વિવિધ પક્ષો અને હિતધારકોના મંતવ્યો પણ તેના પર માંગવામાં આવ્યા છે.
UCC બિલ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે
ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, UCC બિલ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ પછી, બિલ સંસદની સ્થાયી સમિતિમાં જશે, જે આ મુદ્દા પર વિવિધ હિતધારકોના અભિપ્રાય સાંભળશે અને પછી તેના પર વિચાર કરશે. કાયદા પંચે 14 જૂન, 2023ના રોજ યુસીસી અંગે નોટિસ જાહેર કરી હતી અને વિવિધ હિતધારકો પાસેથી મંતવ્યો માંગ્યા હતા.
સંસદનું ચોમાસુ સત્ર 14 જુલાઈથી શરૂ થઈ શકે
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજ સુધી કાયદાની પેનલને આ મુદ્દે લગભગ 8.5 લાખ મંતવ્યો મળ્યા હતા. સંસદનું ચોમાસુ સત્ર 14 જુલાઈથી શરૂ થઈ શકે છે. સત્ર જૂના બિલ્ડીંગથી શરૂ થશે અને ત્યારબાદ બેઠકો નવા બિલ્ડીંગમાં શિફ્ટ થશે. જોકે, ચોમાસુ સત્રની શરૂઆત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
વડાપ્રધાન મોદીએ પોતે UCCની હિમાયત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભોપાલમાં ભાજપના બૂથ કાર્યકરોને સંબોધિત કરતી વખતે સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી હતી. PM એ કહ્યું હતું કે દેશના કેટલાક રાજકીય પક્ષો મતબેંક માટે ગંભીર મુદ્દાઓ પર મુસ્લિમ ભાઈ-બહેનોને ભડકાવી રહ્યા છે. યુસીસીનો ઉલ્લેખ કરીને, તેમણે લોકોને પૂછ્યું હતું કે શું એક પરિવારમાં બે નિયમો હોઈ શકે છે?
આ પણ વાંચો : જી કિશન રેડ્ડી સંયુક્ત રાષ્ટ્રમાં HLPF ને સંબોધશે, આ આમંત્રણ મેળવનાર પ્રથમ પ્રવાસન મંત્રી
પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોર્ટે પણ યુસીસીની હિમાયત કરી છે, પરંતુ વોટ બેંકની રાજનીતિ કરનારા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેવા સમયે પીએમ મોદી તરફથી UCCની હિમાયત કરવામાં આવી છે. યુસીસીનો મુદ્દો ઘણા વર્ષોથી ચર્ચામાં છે, પરંતુ આ વખતે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર આ મુદ્દે આગળ વધવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.