Udaipur Kiling : રાજસ્થાનના ઉદયપુરમાં(Udaipur) મંગળવારે દિવસે દિવસે જે રીતે કન્હૈયા લાલની(Kanhaiyalal) હત્યા(Murder) કરવામાં આવી છે. ગુનેગારોએ તાલિબાની સ્ટાઈલમાં કન્હૈયાલાલની હત્યા કરીને સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ અપલોડ કર્યો હતો. જેમાં આરોપીએ કન્હૈયાલાલની ગરદન એટલા માટે કાપી નાખી કે તેના 8 વર્ષના પુત્રએ નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. આ ઘટનામાં વિદેશી ષડયંત્રનો તાગ મેળવવા કેન્દ્રમાંથી NIAની એક ટીમને ઉદયપુર મોકલવામાં આવી છે. આ ઘટનાના થોડા જ કલાકોમાં પોલીસે બંને આરોપીઓની રાજસમંદ જિલ્લાના ભીમ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઉદયપુરના સૂરજપોલ વિસ્તારના રહેવાસી ગોસ મોહમ્મદ પુત્ર રફીક મોહમ્મદ અને અબ્દુલ જબ્બરના પુત્ર રિયાઝ મોહમ્મદ તરીકે થઈ છે.
જો કે આ દરમ્યાન કન્હૈયાલાલનો એક પત્ર સામે આવ્યો છે. જેમાં કન્હૈયાલાલને આ ઘટનાની પહેલેથી જ જાણ હતી. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. હવે મૃતકે પોલીસને લખેલો પત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફરિયાદ પત્રમાં કન્હૈયાલાલે પોતાના જીવને ખતરો હોવાનું જણાવી પોલીસ પાસે રક્ષણની માંગ કરી હતી. આ અંગે પોલીસે બંને પક્ષોને પોલીસ મથકે બોલાવી પરસ્પર સમાધાન કરાવ્યું હતું. જો કે, હવે સમાધાન માટે વાટાઘાટો કરનાર ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મૃતક કન્હૈયાલાલે પોલીસ પાસે માંગી હતી મદદ પત્ર આવ્યો સામે
જો કે આ દરમ્યાન સોશિયલ મીડીયા પર એક પત્ર વાયરલ થઇ રહ્યો છે. જેમાં મૃતકે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી. તેમજ કન્હૈયા લાલ 11 જૂનના રોજ તેના પાડોશી નાઝિમ દ્વારા મૃતક વિરુદ્ધ એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે કન્હૈયાલાલે પયગંબરનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. પોલીસે આ કેસમાં કન્હૈયાલાલની ધરપકડ પણ કરી હતી. જો કે તેને 11 જૂને જ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ પછી કન્હૈયાલાલે પોતે અભણ હોવાથી અન્ય પાસે લખાવીને પોલીસને ફરિયાદ પત્ર આપ્યો હતો, જેમાં તેણે તેના જીવને જોખમ હોવાનું દર્શાવીને પોલીસ પાસે રક્ષણની માંગ કરી હતી.
કન્હૈયાલાલની ફરિયાદના આધારે પોલીસે બંને પક્ષના 5-5 લોકોને બેસાડીને સમાધાન કરાવ્યું હતું. રાજસ્થાનના ADG કાયદો અને વ્યવસ્થા હવા સિંહ ઘુમરિયાએ જણાવ્યું કે બંનેએ કહ્યું હતું કે અમને કોઈ કાર્યવાહી નથી જોઈતી તેથી આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મૃતકે ફરિયાદમાં લખ્યું છે કે, નાઝીમ અને તેની સાથેના 5 લોકો દિવસભર મારી દુકાનની રેકી કરે છે. તેઓ મને દુકાન ખોલવા દેતા નથી. મારી દુકાનની સામે સવાર-સાંજ 5-7 લોકો ચક્કર લગાવે છે. તેમજ જો હુ દુકાન ખોલીસ તો મને જાનથી મારી નાખવામાં આવશે.