
આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો છેલ્લો દિવસ છે. ગત 14મી મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ (DGMO) વચ્ચે થયેલ વાતચીતમાં યુદ્ધવિરામ 18 મે સુધી લંબાવવા પર સંમતિ સધાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, 19 મેના રોજ ફરી એકવાર ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ શકે છે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ ચાલુ રહેશે કે નહીં.
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે તાજેતરમાં ત્યાંની નેશનલ એસેમ્બલીમાં જણાવ્યું હતું કે 14 મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ હતી, જેમાં યુદ્ધવિરામ લંબાવવા માટે સંમતિ થઈ હતી. તેમણે કહ્યું કે 10 મેના રોજ, પહેલીવાર બંને દેશોના ડીજીએમઓ વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ, જેમાં યુદ્ધવિરામ 12 મે સુધી લંબાવવામાં આવ્યો.
12 મેના રોજ ફરી વાટાઘાટો યોજાઈ અને તેને 14 મે સુધી લંબાવવામાં આવી. 14 મેના રોજ થયેલી વાતચીતમાં, યુદ્ધવિરામને 18 મે સુધી લંબાવવા માટે સંમતિ સધાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે ફરી એકવાર DGMO વચ્ચે વાતચીતનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. જો કે આ હજુ નક્કી નથી.
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સિંધુ જળ સંધિ વિવાદનો ઉકેલ નહીં આવે તો યુદ્ધવિરામ કરાર જોખમમાં મુકાઈ શકે છે. આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને ઉશ્કેરણીજનક ગણાવ્યો અને કહ્યું કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો તેને યુદ્ધ ગણી શકાય.
વૈશ્વિક સ્તરે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે, તેથી, તેની છબી સુધારવા પર ભારત સહીત સમગ્ર વિશ્વનું દબાણ વધી રહ્યું છે. એક વ્યૂહાત્મક પગલું ભરતા, પાકિસ્તાને અચાનક યુદ્ધવિરામની જાહેરાત પણ કરી. પાકિસ્તાનનો નિર્ણય એવું પણ સૂચવે છે કે, પાકિસ્તાન હાલમાં બીજા ખુલ્લા યુદ્ધને ટાળવા માંગે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તેની આંતરિક પરિસ્થિતિ પણ અસ્થિર રહેવા પામી છે.
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.