સુપ્રીમ કોર્ટે 40થી વધારે ખેડૂત સંગઠનોને નોટીસ ફટકારી, હરિયાણા સરકારના આરોપો સામે જવાબ પણ માંગ્યો
હરિયાણા સરકાર વતી સોલિસિટર તુષાર મહેતાએ જણાવ્યું હતું કે હરિયાણા સરકારે વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરવા માટે એક સમિતિની રચના કરી છે, પરંતુ તેઓએ મંત્રણામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
DELHI : સુપ્રીમ કોર્ટે આજે 43 ખેડૂત સંગઠનોને નોટિસ ફટકારી છે. આ નોટિસ હરિયાણા સરકારની અરજી પર જાહેર કરવામાં આવી છે. હરિયાણા સરકારે આરોપ લગાવ્યો છે કે ખેડૂત સંગઠનો અને કેટલાક નેતાઓ રાજ્યની પેનલ સાથે વાતચીતમાં ભાગ લઈ રહ્યા નથી. આ લોકો દિલ્હી બોર્ડર પર રસ્તાઓ પર નાકાબંધીના મુદ્દાને ઉકેલવા માટે રાજ્ય સરકાર સાથે વાતચીત કરી રહ્યા નથી. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાકેશ ટીકૈત, દર્શન પાલ અને ગુરનમ સિંહ સહિત અનેક નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે.
હરિયાણા સરકારે નોઈડાની રહેવાસી મોનિકા અગ્રવાલે દાખલ કરેલી જાહેર હિતની અરજીમાં અરજી કરી છે. મોનિકા અગ્રવાલની જાહેર હિતની અરજીમાં નાકાબંધી હટાવવાની અપીલ કરતા કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં દિલ્હી પહોંચવામાં 2 કલાકથી વધુ સમય લાગે છે. તેમણે કહ્યું કે અગાઉ દિલ્હી પહોંચવામાં માત્ર 20 મિનિટનો સમય લાગતો હતો. તેમણે કહ્યું કે દિલ્હી બોર્ડર અને યુપી ગેટ પરના વિરોધના કારણે લોકોને દિલ્હી જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હરિયાણા સરકારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચા સિંઘુ અને ટિકરી બોર્ડર પર ધરણા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂત સંગઠનોના પદાધિકારીઓ અને કામદારોને પક્ષકાર બનાવવા જોઈએ. આ તમામ બાબતોના સમાધાન માટે જરૂરી પક્ષો છે. અગાઉની સુનાવણીમાં બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે હાઇવેને કાયમ માટે કેવી રીતે બ્લોક કરી શકાય. આ સાથે બેન્ચે કેન્દ્રને પૂછ્યું હતું કે હરિયાણા સરકાર આ મામલે શું કરી રહી છે.
ખેડૂત આગેવાનોને નોટિસ ફટકારવામાં આવી અરજીની નોંધ લેતા જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એમ.એમ.સુંદરેશની ખંડપીઠે ખેડૂત આગેવાનોને નોટિસ આપવાનો આદેશ આપ્યો હતો. ખંડપીઠે સવાલ કર્યો કે સોલિસિટર જનરલે જે 43 લોકોને પક્ષ બનાવ્યા છે તેમને તેઓ નોટિસ કેવી રીતે મોકલશે? આ અંગે તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ખેડૂતોના નેતાઓ આ બાબતમાં જરૂરી પક્ષો છે. તે સુનિશ્ચિત કરશે કે તે લોકોને નોટિસ આપવામાં આવે. તુષાર મહેતાએ કોર્ટને આ મામલે 8 ઓક્ટોબરે સુનાવણી કરવા અપીલ કરી હતી. પરંતુ બેન્ચે સુનાવણી માટે 20 ઓક્ટોબર નક્કી કરી છે.
રાજ્ય સરકાર વતી સોલિસિટર તુષાર મહેતાએ જણાવ્યું હતું કે હરિયાણાએ વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરવા માટે એક સમિતિની રચના કરી છે, પરંતુ ખેડૂત નેતાઓએ મંત્રણામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. તુષાર મહેતાએ કહ્યું કે તમામ નેતાઓને નોટિસ ફટકારવી જોઈએ, જેથી તેઓ ન આવવા માટે કોઈ કારણ ન આપી શકે. હરિયાણા સરકારે અરજીમાં જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરના રોજ ખેડૂતોના સંગઠનો સાથે વાતચીત કરવા માટે રાજ્યસ્તરની પેનલનું ગઠન કરવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતોએ 19 સપ્ટેમ્બરે વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો.