ભારતમાં ઘૂસણખોરી રોકવા માટે સુવેન્દુ અધિકારીની સરકારનો મોટો નિર્ણય, સરહદની જમીન BSFને આપી દેવાશે, જાણો બીજા મહત્વના નિર્ણયો

પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારીની ભાજપ સરકારે, સત્તા સંભાળતાવેત, બાગ્લાદેશમાંથી ભારતમાં થઈ રહેલી ઘૂસણખોરી અટકાવવા માટેનો મોટો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સુવેન્દ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં પાંચ અન્ય મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં વડાપ્રધાન મોદીએ, પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયા બાદ 4 મેના રોજ સાંજે, દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે કરેલા સંબોધન મુજબ આયુષ્યમાન ભારત યોજના, પશ્ચિમ બંગાળમાં લાગુ કરવાનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં ઘૂસણખોરી રોકવા માટે સુવેન્દુ અધિકારીની સરકારનો મોટો નિર્ણય, સરહદની જમીન BSFને આપી દેવાશે, જાણો બીજા મહત્વના નિર્ણયો
| Edited By: | Updated on: May 11, 2026 | 2:31 PM

પશ્ચિમ બંગાળમાં અસ્તિત્વમાં આવેલ ભાજપના સુવેન્દુ અધિકારીના વડપણની સરકારે મહત્વના નિર્ણયો લીધા છે.  બાગ્લાદેશમાંથી થતી ઘૂસણખોરી અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સરહદે વાડ બનાવાશે. આના માટે, બાંગ્લાદેશની સરહદને અડીને આવેલી પશ્ચિમ બંગાળની જમીન BSFને સોંપવામાં આવશે. આ પગલાનો હેતુ બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરી પર લગામ લગાવવાનો છે. BSFને જમીન ટ્રાન્સફર આજે સોમવારથી શરૂ કરી દેવાઈ છે.

પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલ ભાજપ સરકારની પ્રથમ કેબિનેટની બેઠકમાં, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં, પહેલી જ કેબિનેટ બેઠક દરમિયાન ઘણા મુખ્ય ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા અને તેનો તાત્કાલિક અમલ કરાશે. પ્રાથમિક અને સૌથી મહત્વપૂર્ણ નિર્ણય બાંગ્લાદેશની સરહદે આવેલી જમીન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને ટ્રાન્સફર કરવાનો છે. જેથી તેઓ મજબૂત વાડ બનાવી શકે. આ પહેલનો હેતુ બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરીને રોકવાનો છે. BSFને જમીન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા આજે સોમવારથી શરૂ થશે અને આગામી 45 દિવસમાં પૂર્ણ થવાની છે.

આ નિર્ણયની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે અમારી પહેલી કેબિનેટ બેઠક દરમિયાન, અમે સરહદી જમીન BSFને સોંપવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયા આજથી શરૂ થાય છે, અને ગૃહ મંત્રાલય આગામી 45 દિવસમાં જમીનનો કબજો લેશે. ત્યારબાદ, BSF આગામી સમયગાળામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર વાડ બનાવવાનું કામ આગળ વધારશે.”

સુવેન્દુ અધિકારીએ ઉમેર્યું હતું કે આ પગલાથી ટૂંક સમયમાં ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દાનો ઉકેલ આવશે. આ એક વર્ષો જુની સમસ્યા છે, જેનાથા પશ્ચિમ બંગાળ ખૂબ જ લાંબા વખતથી ઝઝૂમી રહ્યું છે. મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ અન્ય ઘણી જાહેરાતો પણ કરી હતી છે, જેનો તાત્કાલિક અમલ કરવામાં આવશે. આવી જ એક જાહેરાત બંગાળમાં આયુષ્માન ભારત યોજનાનો અમલ કરવા અંગે છે. અગાઉની મમતા બેનર્જી સરકારે પશ્ચિમ બંગાળ રાજ્યમાં, કેન્દ્ર સરકારની આ યોજના લાગુ કરવાનું ટાળ્યું હતું.

વધુમાં, શાળાના શિક્ષક તરીકે નોકરી ઈચ્છતા અરજદારો માટે ઉચ્ચતમ વય મર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન આ અંગે વચન આપ્યું હતું. સુવેન્દુ અધિકારી સરકારે રાજ્યમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) પણ લાગુ કરી છે. તેમણે નોંધ્યું કે બંગાળમાં અત્યાર સુધી BNS લાગુ કરવામાં આવ્યું ન હતું. આ પરિસ્થિતિને તેમણે બંધારણનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું. હવે, BNS બંગાળમાં પણ લાગુ થશે, જેમ તે સમગ્ર દેશમાં લાગુ પડે છે.

સુવેન્દુ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં અન્ય કયા નિર્ણયો લેવામાં આવ્યા હતા?

  • અત્યાચારનો ભોગ બનેલા લોકો માટે રક્ષણ: અત્યાચારનો ભોગ બનેલા પરિવારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા અને તેમની સુખાકારીની સંપૂર્ણ જવાબદારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  • આયુષ્માન ભારત યોજના: આયુષ્માન ભારત યોજના હવે પશ્ચિમ બંગાળમાં પણ લાગુ કરવામાં આવશે.
  • સરહદે ફેન્સિંગ : 45 દિવસની અંદર સરહદ પર ફેન્સિંગ માટે સરહદ સુરક્ષા દળ (BSF) ને જમીન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  • BNS (ભારતીય ન્યાય સંહિતા) લાગુ : પશ્ચિમ બંગાળમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ના અમલીકરણ માટે મંજૂરી આપવામાં આવી.
  • વિસ્થાપિત વ્યક્તિઓ માટે અધિકારો: શરણાર્થીઓ અને વિસ્થાપિત વ્યક્તિઓને જમીન અધિકારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  • IAS/IPS અધિકારીઓ માટે તાલીમ: પશ્ચિમ બંગાળ કેડરના IAS અને IPS અધિકારીઓને કેન્દ્ર સરકારના તાલીમ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે.

શું સોનું મોંઘુ થશે કે સસ્તું ? PM મોદીની અપીલની સોનાના ભાવ ઉપર કેવી થશે અસર ?

Follow Us