રશિયાના વિદેશ મંત્રી સાથેની મુલાકાતમાં PM મોદીએ યુદ્ધવિરામ અંગે વાત કરી, કહ્યું- શાંતિના પ્રયાસોમાં ભારત તમારી સાથે
રશિયાના વિદેશ મંત્રી લાવરોવે બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીને યુક્રેનની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. આ સિવાય તેમણે પીએમ મોદીને બંને દેશો (યુક્રેન અને રશિયા) વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વિશે પણ જણાવ્યું.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે (Russian Foreign Minister Sergey Lavrov) વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar) સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી. પીએમઓએ જણાવ્યું કે, મીટિંગ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી લાવરોવે વડાપ્રધાન મોદીને યુક્રેનની સ્થિતિ વિશે જાણકારી આપી. આ સિવાય લાવરોવે બંને દેશો (યુક્રેન અને રશિયા) વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વિશે પણ જણાવ્યું.
વાતચીત દરમિયાન, પીએમ મોદીએ યુદ્ધના વહેલા અંત માટેના તેમના આહ્વાનનો પુનરુચ્ચાર કર્યો અને શાંતિના પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવા માટે ભારતની તૈયારી દર્શાવી. પીએમઓએ કહ્યું કે રશિયન વિદેશ પ્રધાન લાવરોવે પણ પીએમ મોદીને ડિસેમ્બર 2021 માં આયોજિત ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની પ્રગતિ વિશે અપડેટ કર્યું.
આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે અત્યાર સુધી જેટલી પણ શાંતિ વાટાઘાટોમાં કોઈ ઉકેલ આવ્યો નથી. આવી સ્થિતિમાં ભારત મોસ્કો અને કિવ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.