રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ : ટ્રેનના કોચ બનશે રેસ્ટોરન્ટ, આ કારણે રેલવેએ કર્યો નિર્ણય
ભારતીય રેલવેએ કટરા જમ્મુ સ્ટેશન પરના બે જૂના રેલવેના ડબ્બાને રેસ્ટોરન્ટમાં બદલવાનું નક્કી કર્યું છે. આ આખું એર-કન્ડિશન્ડ રેસ્ટોરન્ટ્સમાં વેજ અને નોન-વેજ બંને ભોજન પીરસવામાં આવશે. ટ્રેનના કોચને શણગારવાનું કામ શરૂ થઈ ગયું છે.

ભારતીય રેલવેએ મુસાફરો માટે એક મોટી પહેલ કરી છે. રેલવેએ કટરા અને જમ્મુ રેલવે સ્ટેશન પરના બે રેલવે કોચને રેસ્ટોરન્ટમાં બદલવાનો નિર્ણય લીધો છે. આ બંને કોચ એવા છે કે તેઓ હવે સેવામાં રહ્યા નથી. હવે આનો ઉપયોગ નવી રીતે જ કરવામાં આવશે. ટ્રેનના બંને કોચ થીમ આધારિત રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે.
આ પણ વાંચો : Knowledge : રેલવેના પાટા પર પથ્થરો મુકતા શું ટ્રેન પલટી શકે છે? જાણો આમ કરવાથી શું આવેે છે પરિણામ
રેલવેએ તેને ‘બ્યુટીફુલ રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ નામ આપ્યું છે. તે ટ્રેનના કોચ જે હવે જૂના થઈ ગયા છે અને ઉપયોગમાં આવે તેવા રહ્યા નથી. તે જૂના કોચને રિનોવેટ કરીને નવું સ્વરૂપ આપવામાં આવશે.
જૂના બિનઉપયોગી કોચનો નવો લુક
આ અંગે જમ્મુના ડિવિઝનલ ટ્રાન્સપોર્ટ મેનેજર (ડીટીએમ) પ્રતીક શ્રીવાસ્તવે જણાવે છે કે, જમ્મુ અને કટરામાં એમ બે રેલવે કોચને રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવશે. જે અંગેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે આગળ કહ્યું કે, ભારતીય રેલવેની યોજના હેઠળ જૂના બિનઉપયોગી કોચને નવો લુક આપીને સુંદર બનાવવામાં આવી રહ્યા છે. આ માટે બે અલગ-અલગ કોન્ટ્રાકટરોને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે.
બંને રેસ્ટોરન્ટના નામ હશે યુનિક
ટ્રાન્સપોર્ટ મેનેજરે જણાવ્યું કે, બંને રેસ્ટોરન્ટના નામ પણ યુનિક રાખવામાં આવ્યા છે. એકનું નામ અન્નપૂર્ણા અને બીજાનું નામ મા દુર્ગા હશે. આ બંને રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ હશે અને આ વર્ષે ડિસેમ્બરમાં ઓપન મુકાશે તેવી આશા છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ બંને કોન્ટ્રાકટરોને તેમની પસંદગી મુજબ કોચ ડિઝાઇન કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે.
પહેલા ઘણી જગ્યાએ આવી રેસ્ટોરન્ટ ચાલુ છે
આ સાથે તેણે એ પણ જણાવ્યું કે, જબલપુર, ભોપાલ, લખનૌ અને વારાણસી જેવા ઘણા રેલવે સ્ટેશનો પર આવી રેસ્ટોરન્ટ પહેલેથી જ ચાલી રહી છે. બોક્સમાં મળતા ફૂડ અંગે તેમણે કહ્યું કે, શાકાહારી ફૂડની સાથે-સાથે નોનવેજ ફૂડ પણ બંને રેસ્ટોરન્ટમાં આપવામાં આવશે.
તમામ સુવિધાઓ મળી રહેશે
અન્નપૂર્ણા રેસ્ટોરન્ટના માલિક પ્રદીપ ગુપ્તા કહે છે કે, રેલવેના કોચને સંપૂર્ણ રીતે રેસ્ટોરન્ટમાં ફેરવવામાં લગભગ 90 દિવસ તો લાગશે. જેમાં જરૂરી તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ અહીં આવનારા તમામ લોકોને સુવિધાઓ મળી રહેશે. તેમણે કહ્યું કે હાલમાં દેશના લગભગ નવથી દસ એવા મોટા રેલવે સ્ટેશનો પર આવી રેસ્ટોરન્ટ પહેલેથી જ શરૂ થઈ છે.
રેલવેની પહેલ મુસાફરોને ઉત્સાહિત કરે છે
રેલવેની આ પહેલને લઈને મુસાફરોમાં ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે રેલવેના આ પગલાથી અહીંના પ્રવાસીઓ પણ ખૂબ જ ખુશ થશે. આ પગલું ખૂબ જ પ્રશંસનીય છે. તેનાથી આ સ્થળની સુંદરતામાં વધુ વધારો થશે તેમજ પર્યટકો આનો લાભ લઈ શકશે.