રાજીવ ગાંધી હત્યાકાંડ : આજીવન કેદની સજા ભોગવી રહેલી નલિનીને એક મહિનાની પેરોલ મળી, દોષિતની માતાએ પોતાની બીમારીનું કારણ આપ્યું
1998માં ટ્રાયલ કોર્ટે નલિનીને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, જે 2000માં આજીવન કેદમાં ફેરવાઈ હતી. એક મહિનાની પેરોલ 25 કે 26 ડિસેમ્બરથી શરૂ થશે.
Rajiv Gandhi Assassination: તમિલનાડુ સરકારે રાજીવ ગાંધી હત્યા કેસ(Rajiv Gandhi Assassination)માં આજીવન કેદની સજા પામેલા સાત દોષિતોમાંથી એક નલિની શ્રીહરનને એક મહિનાની પેરોલ મંજૂર કરી છે. રાજ્ય સરકારે મદ્રાસ હાઈકોર્ટ(Madras High Court)ને આ માહિતી આપી હતી. રાજ્ય સરકારના વકીલ હસન મોહમ્મદે નલિનીની માતા એસ પદ્માની હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ પીએન પ્રકાશ અને જસ્ટિસ આર હેમલતાની ડિવિઝન બેંચને આ માહિતી આપી હતી.
આ માહિતી નોંધ્યા બાદ બેન્ચે અરજી પર સુનાવણી બંધ કરી દીધી હતી. પોતાની અરજીમાં પદ્માએ કહ્યું હતું કે તેને ઘણી બીમારીઓ છે અને તે ઈચ્છે છે કે તેની પુત્રી તેની સાથે રહે. તેણે કહ્યું કે આ સંદર્ભે તેણે રાજ્ય સરકારને એક મહિના માટે પેરોલ માટે ઘણી અરજીઓ આપી હતી પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. એક મહિનાની પેરોલ 25 કે 26 ડિસેમ્બરથી શરૂ થશે.
નલિનીની બીજી અરજી કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં તેણીને વેલ્લોર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવાની માગ કરવામાં આવી છે જ્યાં તેણી ત્રણ દાયકાથી વધુ સમયથી બંધ છે. 1998માં ટ્રાયલ કોર્ટે નલિનીને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, જે 2000માં આજીવન કેદમાં ફેરવાઈ હતી. રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ ચેન્નાઈ નજીક શ્રીપેરમ્બદુરમાં ચૂંટણી રેલી દરમિયાન એક મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સાત લોકો – મુરુગન, સંથન, પેરારીવલન, જયકુમાર, રોબર્ટ પાયસ, રવિચંદ્રન અને નલિની આજીવન કેદની સજા ભોગવી રહી છે.
તમામને મુક્ત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી
વર્ષ 2018 માં, તમિલનાડુ એસેમ્બલીએ તત્કાલીન AIADMK સરકાર દરમિયાન તમામ સાત દોષિતોને મુક્ત કરવાનો સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવ રાજ્યપાલને મોકલવામાં આવ્યો હતો, પરંતુ 2 વર્ષ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વખતે વિલંબ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ પછી રાજ્યપાલે કહ્યું હતું કે પ્રસ્તાવ પર નિર્ણય લેવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે.
મે મહિનામાં સરકારની રચના પછી, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018માં કરાયેલી ભલામણને સ્વીકારવા અને સાત દોષિતોને મુક્ત કરવા વિનંતી કરી હતી. સ્ટાલિને 19 મેના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે દોષિતો “લગભગ ત્રણ દાયકાથી જેલ” ભોગવી રહ્યા છે અને રાજ્ય તેમની વહેલી મુક્તિની માંગ કરી રહ્યું છે.
પત્ર અનુસાર, “મોટાભાગના રાજકીય પક્ષો બાકીની સજા માફ કરવા અને તેને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. તમિલનાડુના લોકોની પણ આ ઈચ્છા છે.” તમિલનાડુના બંને મુખ્ય પક્ષો ડીએમકે અને એઆઈએડીએમકે દોષિતોને મુક્ત કરવાના પક્ષમાં છે.