ચેન્નાઈમાં વરસાદે તોડ્યો 80 વર્ષનો રેકોર્ડ, વાવાઝોડા પહેલા જ થઈ તબાહી, જાણો બધું
દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા મિચોંગના આગમન પહેલા જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડુ ત્રાટકે તે પહેલા જ તોફાની વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર આવી ગયું છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં તબાહી છે. પરંતુ સૌથી ખરાબ સ્થિતિ તમિલનાડુમાં છે.

તમિલનાડુમાં વાવાઝોડા મિચોંગે ભારે તબાહી મચાવી છે. સતત મુશળધાર વરસાદને પગલે, તમિલનાડુની રાજધાની ચેન્નાઈ સહિત અન્ય શહેરોની હાલત ઘણી ખરાબ છે. નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે પોશ વિસ્તારોમાં પણ અનેક ઈંચ પાણી ભરાઈ ગયા છે. ચેન્નાઈમાં વરસાદે 80 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જ્યારે વાવાઝોડાની અસર હેઠળ વરસેલા વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે.
દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા મિચોંગના આગમન પહેલા જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડુ ત્રાટકે તે પહેલા જ તોફાની વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર આવી ગયું છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં તબાહી છે. પરંતુ સૌથી ખરાબ સ્થિતિ તમિલનાડુમાં છે. રાજધાની ચેન્નઈ સહિત તમિલનાડુ રાજ્યના ઘણા શહેરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. એરપોર્ટમાં રનવે સુધી પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરની અંદર બધે માત્ર પાણી જ પાણી દેખાય છે. રસ્તાઓ પર વૃક્ષો તૂટી પડ્યા છે. વહેતા વરસાદી પાણીમાં કાર, રમકડાની માફક તણાઈ રહી છે.
ચેન્નાઈમાં મિચોંગ વાવાઝોડાની અસર હેઠળ વરસેલા વરસાદે, 80 વર્ષનો વિક્રમ તોડી નાખ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. છેલ્લા 80 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં આટલો બધો વરસાદ વરસ્યો છે, જેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. અવિરત વરસતા વરસાદને કારણે ચેન્નાઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો અને તસવીરો સામે આવી છે. જેમાં તબાહીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વરસાદના કારણે ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. ચેન્નાઈ આવતી અને જતી અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રે અસરગ્રસ્ત વિસ્તારોની શાળા-કોલેજો પણ બંધ કરાવી દીધી છે.
- ચેન્નાઈ પાણીથી ભરાઈ ગયું
- અનેક કાર પાણીમાં વહી ગઈ
- હાઈવે પર 3 થી 4 ફૂટ જેટલુ ભરાયુ પાણી
- અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા
- રેલવે ટ્રેક ઉપર ફરી વળ્યાં પાણી
- 200 થી વધુ ટ્રેન કરાઈ રદ્દ
- એરપોર્ટના રનવે ઉપર પાણી ભરાયા
- 70 ફ્લાઈટ્સ રદ કરાઈ
- અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
સતત વરસતા મુશળધાર વરસાદને કારણે ચેન્નાઈમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. બીજી તરફ, આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે SDRF અને NDRFની ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે હવે સ્થિતિ એવી છે કે. તંત્ર દ્વારા લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્ય સરકારે જરૂરીયાતમંદ લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે વહીવટીતંત્રને સૂચનાઓ પાઠવી છે. તમિલનાડુમાં લોકોને મદદ કરવા માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.