સરકાર રચવાથી તો દૂર પણ સત્તાપક્ષનો વિરોધ પણ ના કરી શકે એટલી નબળી પડી કોંગ્રેસ
કોંગ્રેસે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નબળું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ ત્રણેય રાજ્યોમાં થઈને કુલ દસના આંકડાને પણ સ્પર્શી શકી નથી. જ્યારે, ભાજપ ત્રિપુરા અને નાગાલેન્ડમાં સરકાર બનાવતી જોવા મળે છે.
ત્રણ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં પણ અન્ય રાજ્યોની જેમ કોંગ્રેસનો ફ્લોપ શો ચાલુ રહ્યો છે. એક પછી એક રાજ્યોમાં કોંગ્રેસની હાર પીછો છોડતી નથી. ઉત્તરપૂર્વના ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ કોંગ્રેસ માટે ખરાબ સમાચાર લાવ્યા છે. પ્રારંભિક પરિણામો અનુસાર, નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાના ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે. કોંગ્રેસે આ ચૂંટણીઓમાં વધુ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ જે કોઈ પરિણામ આવ્યા છે તે અન્યો માટે જરાય પણ આશ્ચર્યજનક નથી.
નાગાલેન્ડમાં ખાતુ ના ખોલાવ્યું, મેઘાલયમાં સ્થિતિ વધુ ખરાબ
કોંગ્રેસ આ વખતે નાગાલેન્ડમાં એક બેઠક મેળવીને ખાતુ પણ ખોલવામાં સક્ષમ નથી રહી. જ્યારે ભાજપનું જોડાણ ફરી એકવાર નાગાલેન્ડ રાજ્યમાં તેમની જોડાણવાળી સરકાર બનાવતું જોવા મળ્યું છે. ત્રિપુરામાં, કોંગ્રેસ ડાબેરીઓ સાથે ચૂંટણી લડ્યા, પરંતુ તેને કોઈ વિશેષ લાભ મળ્યો નહીં. કોંગ્રેસ અહીં ત્રણ બેઠકો જીતી હોવાનું જોવા મળ્યુ છે. જ્યારે, કોંગ્રેસે મેઘાલયમાં સૌથી વધુ ખરાબ પ્રદર્શન કર્યું છે. છેલ્લી ચૂંટણીમાં, કોંગ્રેસે અહીં ત્રણ ડઝનથી વધુ બેઠકો જીતી લીધી હતી, પરંતુ આ વખતે તે પાંચ બેઠકોમાં સમેટાઈ હોય તેવું લાગે છે.
આ સમાચાર લખવામાં આવી રહ્યાં છે ત્યાં સુધી ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, કોંગ્રેસને નાગાલેન્ડમાં લગભગ 4 ટકા મતો મળતા જોવા મળે છે. મેઘાલયમાં, કોંગ્રેસને 13 ટકાથી વધુ મતો મળ્યા છે. આ જ પ્રમાણે, ત્રિપુરામાં કોંગ્રેસને કુલ મતદાનના માત્ર આઠ ટકાથી વધુ મતો મળ્યા છે.
પેટાચૂંટણીના પરિણામ કોંગ્રેસ માટે રાહત !
ભલે ત્રણ રાજ્યોની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ બહુ સારો દેખાવ ના કરી શકી હોય, પરંતુ કોંગ્રેસે પાંચ રાજ્યોમાં 6 બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારો પશ્ચિમ બંગાળના સાગાર્ડગી, મહારાષ્ટ્રના પુણેની કસબા પેઠ અને તમિલનાડુની બેઠક અંકે કરી હોય તેવુ સામે આવી રહ્યું છે.