PM નરેન્દ્ર મોદીના વિપક્ષ પર જોરદાર પ્રહાર, કહ્યુ- કામ કરશે નહીં અને કરવા પણ નહીં દે, વિકાસનો કરે છે વિરોધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશમાં થઈ રહેલા સારા કાર્યોનો વિરોધ કરવો હવે વિપક્ષની આદત બની ગઈ છે. જ્યારે દેશમાં નવી સંસદ બની ત્યારે વિપક્ષે તેના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશમાં અમૃત ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરી. આ યોજના હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. મોદી સરકાર રેલવે સ્ટેશનોના (Railway Station) કાયાકલ્પ પર 24,470 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ દરમિયાન કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ 9 વર્ષ દરમિયાન તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. આ સાથે જ તેમણે વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા.
સારા કાર્યોનો વિરોધ કરવો વિપક્ષની આદત
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં થઈ રહેલા સારા કાર્યોનો વિરોધ કરવો હવે વિપક્ષની આદત બની ગઈ છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિરોધ પક્ષો હજુ પણ જૂની પેટર્નને અનુસરી રહ્યા છે. આ પક્ષો ન તો કામ કરે છે અને ન તો સરકારને કામ કરવા દે છે. પીએમએ કહ્યું કે જ્યારે દેશમાં નવી સંસદ બની ત્યારે વિપક્ષે તેના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. આ પહેલા સરકારે કર્તવ્ય પથ બનાવીને રિડેવલપ કર્યો હતો, ત્યારે પણ વિપક્ષોએ તેની ટીકા કરી હતી.
#WATCH | PM Modi says, “…Unfortunately, a faction of the Opposition in our country is following the old ways even today. They will neither do anything by themselves nor let anyone else do anything…The country built a modern Parliament building. Parliament is the symbol of the… pic.twitter.com/dShcfvtT07
— ANI (@ANI) August 6, 2023
સરકાર વિકાસને પ્રાથમિકતા આપી રહી છે: પીએમ મોદી
PM મોદીએ કહ્યું કે, દેશના ઘણા રાજકીય પક્ષો મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કરે છે, પરંતુ તેમના વિચારોને બિલકુલ અનુસરતા નથી. તેમણે કહ્યું કે, સરકારે નકારાત્મક વિચારસરણીની રાજનીતિથી ઉપર ઉઠીને સકારાત્મક રાજનીતિ હેઠળ દેશનો વિકાસ કર્યો છે. અમે દરેકના સમર્થન અને દરેકના વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ. સરકાર વિકાસને પ્રાથમિકતા આપી રહી છે.
વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે: PM મોદી
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ભારત છોડો આંદોલનથી પ્રેરિત થઈને દેશની જનતા હવે કહી રહી છે કે ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણ-ભારત છોડો. તેમણે કહ્યું કે 3 દાયકા પછી લોકોએ બહુમતીવાળી સરકાર પસંદ કરી, જેણે મોટા નિર્ણયો લીધા છે. હાલમાં વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે.
આ પણ વાંચો : Gyanvapi Survey: જ્ઞાનવાપીમાં સર્વેનો ત્રીજો દિવસ, આજે ભોંયરામાં થશે તપાસ, ASIની ટીમ લેશે રડારની મદદ
જણાવી દઈએ કે દેશના 508 રેલવે સ્ટેશનોને રિડેવલપ કરીને મુસાફરોને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે આ તમામ રેલવે સ્ટેશનોની ડિઝાઇન આર્કિટેક્ચર, હેરિટેજ અને સ્થાનિક સંસ્કૃતિથી પ્રેરિત હશે. સંસ્કૃતિની એવી ઝલક અહીં જોવા મળશે કે મુસાફરોનો અનુભવ વધુ સારો થશે.