Pm Modi એ શીખ સમુદાયના લોકો સાથે 90 મિનિટ વાત કરી, શીખો સાથેના સંબંધો પર કરી ચર્ચા
સિરસાએ કહ્યું કે પીએમ મોદીએ જૂથના સભ્યોને સમુદાય સાથે સંબંધિત કોઈપણ મુદ્દા પર તેમનો સંપર્ક કરવા કહ્યું. વડા પ્રધાને કહ્યું કે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે કે તેમની સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં શીખો સાથે સંબંધિત ઘણા કાર્યક્રમો શરૂ કર્યા છે.
શીખ સમુદાયના (Sikh Community) મહાનુભાવો અને બૌદ્ધિકોનું એક જૂથ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) મળ્યું હતું અને સમુદાય અને દેશની એકતા પ્રત્યે વડા પ્રધાનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાનના નિવાસસ્થાને આ બેઠક 90 મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી. આ દરમિયાન મોદીએ શીખો સાથેના તેમના સંબંધો અને તેમની સરકાર દ્વારા સમાજ માટે કરવામાં આવેલા કાર્યો વિશે વાત કરી. સિરસાએ કહ્યું કે પીએમ મોદીએ જૂથના સભ્યોને સમુદાય સાથે સંબંધિત કોઈપણ મુદ્દા પર તેમનો સંપર્ક કરવા કહ્યું. વડા પ્રધાને કહ્યું કે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે કે તેમની સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં શીખો સાથે સંબંધિત ઘણા કાર્યક્રમો શરૂ કર્યા છે.
પીએમ મોદી સાથે મુલાકાત કરનાર આર્કિટેક્ટ ચરણજીત સિંહ શાહે કહ્યું, “આ (આજની મીટિંગ) વડાપ્રધાન દ્વારા શીખ સમુદાયને ગળે લગાડવા જેવું છે. સંદેશ એ હતો કે સમુદાય મહત્વપૂર્ણ છે પરંતુ દેશની એકતા વધુ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય મહિલા આયોગની નિષ્ણાત પેનલના સભ્ય દમનજીત કૌર સંધુએ જણાવ્યું હતું કે અમે પંજાબમાં ડ્રગ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી. હવે આપણે જોઈએ છીએ કે શ્રીમંત પરિવારોના યુવાનો પણ ડ્રગ્સમાં સામેલ થઈ રહ્યા છે.
સર (વડાપ્રધાન)એ અમારી વાત ધ્યાનથી સાંભળી. રિટાયર્ડ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર કેબીએસ સિદ્ધુએ કહ્યું કે તેમની 37 વર્ષની સેવામાં તેમણે ક્યારેય કોઈને વડાપ્રધાન જેટલી શીખ સમુદાયની ચિંતા કરતા જોયા નથી. તેમણે કહ્યું કે, આવી પ્રતિબદ્ધતા મેં ક્યારેય જોઈ નથી. દરેક શીખ, દરેક પંજાબી અને દરેક ભારતીયે તેમના સમુદાય, રાજ્ય અને દેશ માટે ખભે ખભા મિલાવીને કામ કરવું જોઈએ. સિરસાએ કહ્યું કે જૂથના સભ્યોમાં જગત ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, પટિયાલાના વાઇસ ચાન્સેલર કરમજીત સિંહ, ગુરુ નાનક દેવ યુનિવર્સિટી (અમૃતસર)ના વાઇસ ચાન્સેલર જસપાલ સિંહ સંધુનો સમાવેશ થાય છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પીએમ મોદીને મળ્યા હતા
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ગુરુવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા પછી જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે અમને કેન્દ્રના સમર્થનની જરૂર છે. પંજાબની આર્થિક સ્થિતિ ખરાબ છે. અમે રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે 2 વર્ષ માટે દર વર્ષે 50,000 કરોડ રૂપિયાના પેકેજની માંગણી કરી છે. 16 માર્ચે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભગવંત માનની વડાપ્રધાન સાથેની આ પ્રથમ મુલાકાત છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં 92 બેઠકો જીતી છે.
આ પણ વાંચો : Uttarakhand: કેબિનેટની પ્રથમ બેઠકમાં ધામી સરકારનો મોટો નિર્ણય, યુનિફોર્મ સિવિલ કોડ અંગે સમિતિની રચના કરવામાં આવશે