યુવકને એરપોર્ટ પર ટોઈલેટ જવું મોંઘુ પડ્યું, એરલાઇન સ્ટાફની નાનકડી બેદરકારીથી પેસેન્જરને 2.65 લાખનું નુકસાન
ઘણીવાર લોકો કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું કરવા અથવા ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફ્લાઇટનો ઉપયોગ કરે છે. જો કે, આ વખતે ફ્લાઇટને લઈને એક અજીબ જ ઘટના બહાર આવી છે.

વાત એમ છે કે, બ્રાન્ડિંગ કન્સલ્ટન્ટ ચયનને જયપુરથી મુંબઈ એક બિઝનેસ મીટિંગ માટે જવાનું હતું પરંતુ તેનું કહેવું છે કે, ઈન્ડિગોની બેદરકારીને કારણે તે તેની ફ્લાઇટ ચૂકી ગયો હતો. ચયન સવારે 4.40 વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યો હતો. સિક્યોરિટી ચેક પણ સવારે 5.10 વાગ્યે થઈ ગયું હતું. હવે આ સમય દરમિયાન ઇન્ડિગોના એક સ્ટાફે જણાવ્યું કે, બોર્ડિંગ 10-15 મિનિટમાં શરૂ થઈ જશે.
ફ્લાઇટ માટે કોઈ જાહેરાત ન કરાઈ
આ સાંભળ્યા પછી ચયન થોડીવાર માટે ટોઇલેટમાં ગયો. જ્યારે તે 12 મિનિટ પછી પાછો ફર્યો ત્યારે તેને ખબર પડી કે બોર્ડિંગ બંધ થઈ ગયું છે અને તેની ફ્લાઇટ રવાના થઈ ગઈ છે. આ ઘટનાથી ચયન ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. આનું કારણ એ હતું કે, મુંબઈની ફ્લાઇટ માટે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી અને ન તો તેને કોઈ ફોન આવ્યો હતો.
જો કે, આ અંગે સ્પષ્ટતા આપતા સ્ટાફે કહ્યું કે, જયપુર એરપોર્ટ એક ‘સાઇલેંટ એરપોર્ટ’ છે. અહીં ફ્લાઇટ માટે કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. આ અંગે ચયને કહ્યું કે, તેણે દેહરાદૂન જતી ફ્લાઇટ્સ માટેની જાહેરાતો સાંભળી છે.
ચયન માટે મુંબઈ જવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. તેણે એરલાઇન સ્ટાફને હાથ જોડીને વિનંતી કરી અને તેમને પોતાની આખી પરિસ્થિતિ સમજાવી પરંતુ તેને એરલાઇન સ્ટાફથી કોઈ પણ પ્રકારની મદદ મળી નહીં. તેને ન તો બીજી કોઈ ફ્લાઇટ ઓફર કરવામાં આવી, ન તો તેને રિફંડ આપવામાં આવ્યું અને ન તો કોઈ સહાનુભૂતિ આપવામાં આવી.
પોસ્ટ વાયરલ
બ્રાન્ડિંગ કન્સલ્ટન્ટ ચયને લિંક્ડઇન પર કહ્યું કે, ઇન્ડિગોની આ બેદરકારીને કારણે, તેણે એક ક્લાયન્ટ ગુમાવ્યો અને 2.65 લાખનું નુકસાન થયું. વધુમાં ચયને કહ્યું કે, અહીં મુદ્દો ફક્ત ફ્લાઇટ ચૂકી જવાનો નથી પરંતુ જવાબદારી અને માનવતાનો છે.
ચયને એમ પણ લખ્યું કે, “શું આ છે ભારતની નંબર વન એરલાઇનની સર્વિસ? આપણે કસ્ટમર અનુભવ અને સર્વિસ એક્સેલેન્સ વિશે ખાલી મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ જ્યારે તેની જરૂરત પડે છે ત્યારે કોઈ આસપાસ દેખાતું નથી.” ચયનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો