
ગતા તારીખ 10 નવેમ્બરની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ આ આતંકવાદી હુમલાની સતત તપાસ અને ડીકોડિંગ કરી રહી છે. સુરક્ષા અને તપાસ એજન્સીઓના તારણો ભારત માટે ખૂબ જ ચોકાવનારા આવ્યા છે. આ સંકેત અનુસાર, ભારત માટે મુસ્લિમ દેશ વધુ એક નવા દુશ્મન સ્વરૂપે ઊભો થઈ રહ્યો છે.
લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટની તપાસ કરતી એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે, આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ મોડ્યુલ સામેલ હતું, જેનું સંચાલન તુર્કિયેના અંકારામાંથી કરવામાં આવતુ હતું. જૈશ-એ-મોહમ્મદ સાથે તુર્કિયેમાં જોડાયેલા સ્ત્રોત દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, ભારતીય સુરક્ષા એજન્સીને જેટલા પણ પુરાવાઓ મળ્યા છે તે દિલ્હી સ્થિત તુર્કિયેના રાજદૂતને સુપરત કરીને તપાસમાં સહયોગ કરવા તાકીદ કરવામાં આવી છે.
ભારતીય સુરક્ષા એજન્સીની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ વિસ્ફોટમાં સામેલ આતંકવાદીઓ તુર્કિયેની રાજધાની અંકારામાં તેમના હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હતા, જેનું કોડનેમ ઉકાસા હતું. દિલ્હી વિસ્ફોટમાં સામેલ આતંકવાદીઓ સેશન નામની એપ દ્વારા અંકારામાં તેમના હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા. તુર્કિયેમાં તેમના હેન્ડલર્સ સેશન નામની એપ દ્વારા આ આતંકવાદીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપી રહ્યા હતા. એવું પણ બહાર આવ્યું છે કે આ આતંકવાદી હુમલાના બે ગુનેગારો, ડોકટર ઉમર મોહમ્મદ અને ડોકટર મુઝમ્મિલ, તુર્કિયેની મુલાકાતે ગયા હતા.
ડોકટર ઉમર મોહમ્મદ અને ડોકટર મુઝમ્મિલના પાસપોર્ટ પર તુર્કિયેના ઇમિગ્રેશન સ્ટેમ્પ છે. સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે, તેઓ તુર્કિયેની મુલાકાત દરમિયાન તેમના હેન્ડલર્સ સાથે મળ્યા હતા. જો કે, તુર્કિયે સરકારે આ આતંકવાદીઓને કોઈપણ સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે અને આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
જો કે, તે કોઈ રહસ્ય નથી કે તુર્કિયે પોતે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સામે પાકિસ્તાનને મદદ કરી હતી. પાકિસ્તાન દ્વારા ભારત ઉપર ફેંકવામાં આવેલા ડ્રોન તુર્કિયે નિર્મિત હતા. જો કે એક પણ ડ્રોન ભારતમાં નુકસાન કરી શક્યું નહોતું. ભારતની સુરક્ષા પ્રણાલીએ તમામે તમામ ડ્રોન હવામાં જ તોડી પાડ્યા હતા.
મે મહિનામાં, તુર્કિયે એ, ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાનને ડ્રોનનો જથ્થો પુરો પાડ્યો હતો. પાકિસ્તાને મેડ ઈન તુર્કિયેના ડ્રોનથી ભારત સામે ચાર દિવસના લશ્કરી સંઘર્ષ કર્યો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન તુર્કિયે એ પાકિસ્તાનને ખુલ્લેઆમ મદદ કરી હતી. ભારતીય લશ્કરી દળોએ, પાકિસ્તાને છોડેલા તુર્કિયે નિર્મિત બધા ડ્રોનને તોડી પાડ્યા હતા અને વિશ્વ સમક્ષ તુર્કિયેના ડ્રોન તકલાદી સાબિત કર્યાં હતા.
વધુમાં, તુર્કિયે કાશ્મીર મુદ્દા પર અરાવનવાર પાકિસ્તાનને ટેકો આપતું આવ્યું છે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ તુર્કિયેએ કાશ્મીર રાગ આલાવ્યો છે. 2019 થી, તુર્કિયેના રાષ્ટ્રપતિ એર્દોગન, એક યા બીજા આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનની ભાષા બોલતા આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટને ઘટનાએ સાબિત કર્યું છે કે, હવે પાકિસ્તાનની જેમ, તુર્કિયે પણ ભારતમાં આતંકવાદી હુમલાઓ સાથે જોડાઈ ગયું છે.
આ પણ વાંચોઃ Delhi Blast : પાકિસ્તાનના ખાસ દોસ્ત તુર્કિયેથી આત્મઘાતી ડોકટરને મળતા હતા આદેશ, એજન્સીની તપાસમાં મળ્યું પગેરૂં