આજ રાતથી હાઈવે પર મુસાફરી કરવી પડશે મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં કર્યો વધારો
અમુલ દૂધના ભાવમાં વધારાની જાહેરાત બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલા જ એક બાદ એક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. NHAIએ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
હજુ માત્ર એક્ઝિટ પોલ જ સામે આવ્યા છે, ચૂંટણીનું પરિણામ તો 4 જૂને જાહેર થશે. ત્યારે એક બાદ એક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. અમુલ દૂધના ભાવમાં વધારાની જાહેરાત બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. NHAIએ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે હાઇવે પર ચાલતા વાહન ચાલકોએ સોમવારથી વધુ પૈસા ચૂકવવા પડશે. એટલે કે આજ રાતથી જ ટોલ ટેક્સમાં વધારો થવાનો છે.
આ તારીખથી અમલમાં આવશે
NHAI સોમવારે મધ્યરાત્રિ 12 વાગ્યાથી બે મહિનાથી પેન્ડિંગ પડેલા ટોલ દર લાગુ કરશે. આ વધારો જે 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, દેશમાં સામાન્ય ચૂંટણીઓને કારણે લાગુ થયેલી આચારસંહિતાને કારણે અટકાવવામાં આવ્યો હતો. જે હવે આજ રાતથી લાગુ કરવામાં આવી રહ્યો છે.
NHAIના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે નવા યુઝર્સ માટે ફી 3 જૂન, 2024થી લાગુ થશે. ટોલ ટેક્સમાં આ ફેરફાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવાના ફેરફારોને અનુરૂપ દરોમાં સુધારો કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે. નેશનલ હાઈવે નેટવર્ક પર અંદાજે 855 યુઝર ફી પ્લાઝા છે, જેના પર ગ્રાહકો પાસેથી નેશનલ હાઈવે ફી નિયમો, 2008 મુજબ વસૂલવામાં આવે છે.
કયા હાઇવે પર તમારે સૌથી વધુ ટોલ ચૂકવવો પડશે ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી હશે તો તમારે હવે આ એક્સપ્રેસ વેનો ટોલના 125 રૂપિયા ચુકવવા પડશે. અહીં અલગ-અલગ અંતર પ્રમાણે ટોલ રેટ નક્કી કરવામાં આવે છે. સોમવારથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે (DME) અને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (EPE) પર ટોલ 5 ટકાનો વધારો થશે.
ફોર-વ્હીલર્સ અથવા નાના વાહનોએ રૂ. 45 થી રૂ. 160 વચ્ચે ટોલ ચૂકવવો પડશે, જ્યારે ભારે વાહનોએ મુસાફરી કરેલા અંતરના આધારે રૂ. 40 થી રૂ. 250 વચ્ચેનો ટોલ ચૂકવવો પડશે. હાલમાં હાઈવે સત્તાવાળાઓ 135 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે પર પ્રતિ કિલોમીટર રૂ. 2.19નો ટોલ વસૂલે છે.