
મે મહિના ના શરૂઆતમાં જ LPGના ભાવમાં વધારો થયો છે. કોમર્શિયલ LPG સિલિન્ડર 19 KGના ભાવમાં 993 રૂપિયા અને 5 KG સિલિન્ડરમાં 261 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો. ઈરાન અને ઇઝરાયલ-યુએસ યુદ્ધને કારણે સર્જાયેલા ગેસ સંકટ બાદ સરકારે જાહેરાત કરી હતી કે ભારતની ગેસની જરૂરિયાતના 60 ટકા સુધીનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થઈ રહ્યું છે.
LPG ઉત્પાદન વડોદરા, મથુરા, પાણીપત અને હલ્દિયા જેવા શહેરોમાં થાય છે. જો કે ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય છે. ગુજરાતમાં જામનગરને સૌથી મોટું LPG ઉત્પાદક માનવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ ધરાવે છે. આ રિફાઇનરી પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો સાથે મોટી માત્રામાં LPGનું ઉત્પાદન કરે છે. આ જ કારણ છે કે જામનગર ભારતનું ઉર્જા કેન્દ્ર બન્યું છે.
LPG બે રીતે બનાવવામાં આવે છે કાચા તેલને રિફાઇન કરીને અને કુદરતી ગેસની પ્રોસેસિંગ દ્વારા. કાચા તેલને ગરમ કરવામાં આવે ત્યારે અલગ-અલગ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બને છે. જેમાંથી LPG પણ એક હોય છે. તેને ટાંકીમાં સંગ્રહિત કરીને સિલિન્ડરમાં ભરીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં LPGનો વપરાશ 3012 મેટ્રિક ટન હતો અને ફેબ્રુઆરીમાં 2822 મેટ્રિક ટન હતો. જે માર્ચમાં ઘટીને 2379 મેટ્રિક ટન થયો છે. જે જાન્યુઆરીની સરખામણીમાં 26.6% ઘટાડો દર્શાવે છે. હાલમાં LPG પુરવઠાને અસર થઈ રહી છે. ઘરેલુ ઉપયોગ માટે LPG સપ્લાય કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરકારી ડેટા અનુસાર, LPG વિતરકો તરફથી LPGની કોઈ અછત નોંધાઈ નથી. ગયા અઠવાડિયે LPG સિલિન્ડર બુકિંગમાં 98%નો વધારો થયો છે. છેતરપિંડી અટકાવવા માટે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત ડિલિવરીમાં 94%થી વધુનો વધારો થયો છે. ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરો પર DAC પ્રાપ્ત થાય છે.