Modi Govt at 9 : મોદી PM બન્યા પછી મહિલાઓ માટે દેશમાં શું બદલાયું ? જાણો

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા નવ વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી હતી. એ પણ જાણો કે છેલ્લા નવ વર્ષમાં મોદી સરકારે મહિલાઓ માટે કઈ કઈ યોજનાઓ શરૂ કરી છે.

Modi Govt at 9 : મોદી PM બન્યા પછી મહિલાઓ માટે દેશમાં શું બદલાયું ? જાણો
PM Modi and women (file photo)
| Edited By: | Updated on: May 28, 2023 | 12:51 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ અને બીજા કાર્યકાળ સહિત કુલ નવ વર્ષ થયા છે. આ નવ વર્ષમાં મહિલાઓ માટે સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુથી મોદી સરકાર દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. મહિલાઓ માટે નીતિઓ ઘડીને તેમને સશક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખાનગી ક્ષેત્રથી માંડીને જાહેર ક્ષેત્ર સુધી મહિલાઓની ભૂમિકામાં નોંધપાત્ર વધારો થયો છે.

મોદી સરકારની કેટલીક યોજનાઓ એવી છે કે, જેની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ. આમાંથી એક બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન પણ સામેલ છે. આ સિવાય ગરીબ મહિલાઓ અને પરિવારો માટે ઉજ્જવલા યોજના શરૂ કરી. આ અંતર્ગત દરેક ઘરમાં ગેસ સિલિન્ડર અને સ્ટવ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેથી ગરીબ માતાઓ અને બહેનો ઘરમાં રસોઈ બનાવતી વખતે રસોડાના ધુમાડાથી સુરક્ષિત રહી શકે. ચાલો તે યોજનાઓ પર એક નજર કરીએ જેમાં માત્ર મહિલાઓ જ કેન્દ્રમાં રહી છે.

બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાઃ

2014માં સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીએ બેટી બચાવો, બેટી પઢાવો પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ આ યોજના 22 જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપતમાં શરૂ કરી હતી. આ યોજના શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ દેશમાં લિંગ અસંતુલન દૂર કરવાનું અને છોકરીઓના શિક્ષણ અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનું છે. પીએમની આ યોજનાને લોકોએ સ્વીકારી. આ યોજના તેમણે ગુજરાતમાં સફળતાપૂર્વક અમલમાં મૂકી હતી.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના:

આ યોજના 1 મે, 2016 ના રોજ પીએમ મોદીએ શરૂ કરી હતી. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી રેખા હેઠળના પરિવારોને રસોઈ માટે એવું બળતણ પૂરું પાડવાનો હતો, જેનાથી આરોગ્યને નુકસાન ન થાય. ખાસ કરીને મહિલાઓને રસોઈ માટે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડર આપવામાં આવ્યા હતા. આનાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો અને ઘરની અંદરનું ધૂમાડાનું પ્રદૂષણ ઘટ્યું.

સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ

સુકન્યા સમૃદ્ધિ યોજનાની પણ સરકારની જાણીતી યોજનાઓમાં ગણતરી થાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના એક બચત યોજના છે. તેના દ્વારા બાળકીની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે. આ યોજના માતાપિતાને છોકરીની નાણાકીય સુરક્ષામાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે. આ યોજનામાં રોકાણ કરાયેલા નાણાંનો ઉપયોગ છોકરીઓના શિક્ષણ અને તે મોટી થાય ત્યારે તેમના લગ્ન માટે કરવામાં આવે છે. તેના પર સરકાર દ્વારા ઉંચા વ્યાજ દર પણ આપવામાં આવે છે.

મેટરનિટી બેનિફિટ (એમેન્ડમેન્ટ) એક્ટ:

કેન્દ્રની મોદી સરકારે મેટરનિટી લીવનો સમયગાળો 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયાનો કરવા માટે કાયદામાં સુધારો કર્યો. આ માટે મહિલાઓને સ્વસ્થ થવા અને નવજાત શિશુની સંભાળ લેવા માટે વધુ સમય મળી રહ્યો છે. આ સાથે કેટલીક કંપનીઓમાં વર્ક-ફ્રોમ-હોમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના:

આ યોજના 8 એપ્રિલ 2015 ના રોજ મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને સૂક્ષ્મ સાહસોને ઓછા વ્યાજ દરે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. જેમાંથી ઘણી મહિલાઓની માલિકીની છે. આ સ્કીમ દ્વારા સસ્તા વ્યાજ દરે લોન આપવામાં આવી છે. આ યોજના દ્વારા તે મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવામાં આવી જેમની આર્થિક સ્થિતિ સારી ન હતી.

સ્વચ્છ ભારત અભિયાનઃ

સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગે એક નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલથી મહિલાઓના સ્વાસ્થ્ય અને સલામતી પર નોંધપાત્ર અસર પડી હતી. ખાસ કરીને ગામડાઓમાં જ્યાં મહિલાઓને ખુલ્લામાં શૌચ કરવાની ફરજ પાડવામાં આવતી હતી, આજે તેઓ તેમના ઘરે બનાવેલા શૌચાલયમાં જ શૌચ કરે છે. આ યોજના દ્વારા સરકારે ઝડપથી દરેક ઘરમાં શૌચાલય યોજના લાગુ કરી.