Manipur Violence: મણિપુરમાં નથી અટકી રહી હિંસા, ટોળાએ વાહનો સળગાવ્યા અને ગોળીબાર કર્યો
અધિકારીઓના જણાવ્યા અનુસાર ટોળાએ ઐતિહાસિક કંગલા કિલ્લા પાસે મહાબલી રોડ પર બે ખાનગી વાહનોને આગ ચાંપી દીધી હતી. હિંસા પર કાબૂ મેળવવા પોલીસે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી.

મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસા (Manipur Violence) ચાલી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાઓ પર આગચંપી અને ગોળીબારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ટોળા દ્વારા બે વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા, જ્યારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.
હિંસા પર કાબૂ મેળવવા પોલીસે કાર્યવાહી કરી
અધિકારીઓના જણાવ્યા અનુસાર ટોળાએ ઐતિહાસિક કંગલા કિલ્લા પાસે મહાબલી રોડ પર બે ખાનગી વાહનોને આગ ચાંપી દીધી હતી. તેઓને એવી શંકા હતી કે આ વાહનો દ્વારા એક વિશેષ સમુદાય માટે ઘરનો સામાન લઈ જવામાં આવી રહ્યો છે. હિંસા પર કાબૂ મેળવવા પોલીસે કાર્યવાહી કરી અને ભીડને વિખેરી નાખી હતી. આ દરમિયાન બળી ગયેલા બંને વાહનોના ચાલક ભાગવામાં સફળ રહ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
પોલીસ કમાન્ડો સહિત 4 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી
ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના યિંગાંગપોકપી પાસે લાઇકોટમાં શુક્રવારે મોડી રાત્રે બે સમુદાયો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનાઓ ત્યારે સામે આવી છે જ્યારે બિષ્ણુપુર જિલ્લામાં ઘણા સ્થળોએ મણિપુર પોલીસ કમાન્ડો સહિત 4 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
આસામ રાઈફલ્સના જવાનોને શુક્રવારે રાત્રે સોંગડો મોકલવામાં આવ્યા
ગઈકાલે સાંજે મોઇરાંગ તુરેલ માપનમાં શંકાસ્પદ આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું, જ્યારે 3 અન્ય લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ તમામ બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાની સરહદ પર હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પરિસ્થિતિનો સામનો કરવા માટે સેના અને આસામ રાઈફલ્સના જવાનોને શુક્રવારે રાત્રે સોંગડો મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Delhi Liquor Scam: આતિશીનો BJP પર આરોપ, કહ્યુ- ભાજપ મનીષ સિસોદિયા વિશે જુઠ્ઠાણું ફેલાવે છે
3 મેના રોજ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી ત્યારબાદથી 100 થી વધુ લોકોનો મોત થયા છે અને 3,000 થી વધુ લોકો ઘાયલ થયા છે. મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ દરજ્જાની માગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
40,000 કેન્દ્રીય સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા
હિંસાને કાબૂમાં લેવા અને રાજ્યમાં સામાન્ય સ્થિતિ લાવવા માટે મણિપુર પોલીસ ઉપરાંત લગભગ 40,000 કેન્દ્રીય સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મણિપુરની કુલ વસ્તીમાં મૈતેઈ સમુદાયના લોકોની સંખ્યા લગભગ 53% હોવાનો અંદાજ છે અને તેઓ ઈમ્ફાલ ખીણમાં રહે છે. નાગા અને કુકી સમુદાયો 40% લોકો છે જે પહાડી જિલ્લાઓમાં રહે છે.