રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો

આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.

રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો
| Edited By: | Updated on: Dec 01, 2025 | 2:35 PM

સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યસભા અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનનું આ પહેલું સત્ર છે. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિના રાજ્યસભામાં પહેલા દિવસે, વડા પ્રધાન મોદી સહિત તમામ સાંસદોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેમને રાજ્યસભામાં ભવિષ્યની જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, રાજ્યસભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનના સ્વાગત કરતા કરતા એક એવી રાજકીય ટિપ્પણી કરી કે ભાજપના સાંસદોએ હો-હા કરી મુકીને હોબાળો મચાવ્યો હતો. .

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “હું આજે મારા પોતાના વતી અને બધા વિપક્ષી સભ્યો વતી તમને રાજ્યસભાના અધ્યક્ષ પદ સંભાળવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપવા માટે ઊભો છું.” આ દરમિયાન, ખડગેએ ભૂતપૂર્વ અધ્યક્ષ જગદીપ ધનખરને યાદ કરતા કહ્યું, “મને આશા છે કે તમને તમારા પુરોગામીના રાજ્યસભાના અધ્યક્ષ પદ પરથી અચાનક વિદાયનો ઉલ્લેખ કરવામાં વાંધો નહીં આવે.”

ખડગેએ કહ્યું, “સભાપતિ, સમગ્ર ગૃહના રક્ષક તરીકે, સરકારના જેટલા સભ્યો છે એટલા જ વિપક્ષના પણ સભ્યો છે. મને દુઃખ છે કે ગૃહને જગદીપ ધનખરને વિદાય આપવાની તક મળી નથી. તેમ છતાં, સમગ્ર વિપક્ષ વતી, હું તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું.” આ ટિપ્પણીથી ભાજપના સાંસદો ગુસ્સે થયા, અને તેના સાંસદોએ ખડગેના નિવેદનનો વિરોધ શરૂ કર્યો.

સન્માન સમારોહની ગરિમા જાળવો – જેપી નડ્ડા

મલ્લિકાર્જુન ખડગેના જવાબમાં, રાજ્યસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, “આપણે સન્માન સમારોહની ગરિમા જાળવવી જોઈએ, અને તે મુજબ ચર્ચા કરીએ તો વધુ સારું રહેશે. જો આપણે આજે આપણા વિપક્ષી નેતાએ ઉઠાવેલા મુદ્દા, વિદાય અને અન્ય તમામ વિષયો પર ચર્ચા કરવાનું શરૂ કરીએ, તો મને લાગે છે કે તે અર્થહીન રહેશે.”

નડ્ડાએ વધુમાં કહ્યું કે, અહીં એ હકીકત વિશે પણ ચર્ચા થશે કે તમે જગદીપ ધનખરની સામે એકવાર નહીં, પરંતુ બે વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છો. મને લાગે છે કે આપણા વિપક્ષી નેતાઓ ખૂબ જ આદરણીય છે. બિહાર, હરિયાણા અને મહારાષ્ટ્રમાં થયેલી હારથી તમને ખૂબ દુઃખ થયું છે. પરંતુ તમારે, તમારા દુઃખ અને વેદના ડોક્ટર સાથે શેર કરવી જોઈએ.

કિરેન રિજિજુએ કોંગ્રેસને અવિશ્વાસ પ્રસ્તાવ વિશે યાદ અપાવ્યું

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિશે મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીનો જવાબ આપતા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, “હું ગૃહને યાદ અપાવવા માંગુ છું કે વિપક્ષે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ભૂતપૂર્વ અધ્યક્ષનું અપમાન કરવા માટે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો તે ભૂલી ગયા છો. વિપક્ષે ભૂતપૂર્વ અધ્યક્ષ વિશે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. અમારી પાસે હજુ પણ તમે રજૂ કરેલા પદભ્રષ્ટ કરવાના પ્રસ્તાવની નકલ છે.”

એ નોંધવું જોઈએ કે આજે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે, સીપી રાધાકૃષ્ણન સમક્ષ જગદીપ ધનખરના છેલ્લા દિવસોમાં આદર ના મળ્યાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. જોકે, ધનખરના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન, કોંગ્રેસ પાર્ટી તેમની વિરુદ્ધ બે દરખાસ્તો લાવી હતી.ભાજપના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષને એ બે દરખાસ્તની યાદ અપાવી હતી.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.