
જૂન મહિનો શરૂ થવાની તૈયારીમાં છે અને દેશના લાખો ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. ખેતરો અને બિયારણ તૈયાર છે, પરંતુ આ વખતે ચિંતા માત્ર વરસાદની નથી, પણ ચોમાસું કેટલો સાથ આપશે તેની છે. ભારતમાં ચોમાસું માત્ર હવામાન નથી, પરંતુ તે ખેડૂતોની આવક, ગામડાંની અર્થવ્યવસ્થા અને શહેરોમાં રહેતા લોકોના રસોડાનું બજેટ નક્કી કરે છે. આ દરમિયાન એચડીએફસી બેંક ટ્રેઝરી રિસર્ચનો એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેણે ચિંતા વધારી દીધી છે.
રિપોર્ટ અનુસાર, 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આ વર્ષે વરસાદ લોન્ગ પીરિયડ એવરેજ (LPA) ના 90 ટકા જેટલો જ રહેશે, એટલે કે સરેરાશ કરતાં 10 ટકા વરસાદ ઓછો પડી શકે છે. તેના કારણે કૃષિ ઉત્પાદન અને મોંઘવારીને લઈને આશંકાઓ મજબૂત બની છે.
આ ચિંતા પાછળનું મુખ્ય કારણ ‘અલ નિનો’ (El Nino) છે. અલ નિનો એ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રના તાપમાન સાથે જોડાયેલી એક ભૌગોલિક ઘટના છે. જ્યારે તે સક્રિય થાય છે ત્યારે ભારતમાં ચોમાસાના પવનો નબળા પડે છે. છેલ્લા 25 વર્ષોમાં ભારતમાં 7 વખત અલ નિનોની સ્થિતિ બની છે, જેમાંથી 6 વખત ચોમાસું નબળું રહ્યું છે અને વરસાદમાં 8 થી 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2002, 2009 અને 2018માં વરસાદમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. રિપોર્ટ દર્શાવે છે કે ચોમાસામાં દર 1 ટકાનો ઘટાડો કૃષિ ક્ષેત્રના ગ્રોથ રેટને 0.4 ટકા જેટલો ઘટાડી શકે છે.
સિંચાઈની મર્યાદિત સુવિધા ધરાવતા અને સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર ખેડૂતો માટે નબળું ચોમાસું મોટી મુશ્કેલી ઊભી કરશે. બાજરી, મકાઈ અને તેલીબિયાં: આ પાક નબળા ચોમાસા સામે સૌથી વધુ સંવેદનશીલ છે. ખાસ કરીને મગફળી અને સોયાબીન જેવા પાકોને મોટું નુકસાન થઈ શકે છે. રાજસ્થાન દેશમાં 45 ટકા બાજરીનું ઉત્પાદન કરે છે, પરંતુ ત્યાં બાજરીના કુલ વિસ્તારમાંથી માત્ર 4.3 ટકા ભાગ જ સિંચાઈ હેઠળ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ આવી જ સ્થિતિ છે.
કપાસ: કપાસના પાક પર માત્ર ઓછા વરસાદનું જ નહીં, પરંતુ ઊંચા તાપમાન અને જીવાતોના હુમલાનું જોખમ પણ વધી જાય છે.
રિપોર્ટમાં ડાંગરના પાકને લઈને થોડી રાહત આપવામાં આવી છે. દેશમાં ડાંગરના આશરે 70 ટકા વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે, જે 2000ની વર્ષની શરૂઆતમાં માત્ર 50 ટકા હતી. આ ઉપરાંત, ડાંગરનું ઉત્પાદન દેશના ઘણા રાજ્યોમાં ફેલાયેલું હોવાથી કોઈ એક વિસ્તારમાં હવામાન બગડવા છતાં દેશના કુલ ઉત્પાદન પર બહુ મોટી અસર થતી નથી.
દાળની ચિંતા: ખરીફ સીઝનની દાળ જેમ કે અડદ, મગ અને તુવેર પર જોખમ વધારે છે. મહારાષ્ટ્ર દેશની 40 ટકા તુવેરનું ઉત્પાદન કરે છે, પરંતુ ત્યાં આ પાક માટે સિંચાઈનો દાયરો માત્ર 14 ટકા જ છે.
જળાશયોની સારી સ્થિતિ: નબળા ચોમાસાનો અર્થ એવો નથી કે રબી પાક પણ ખરાબ જશે. એપ્રિલ 2026 સુધીમાં દેશના જળાશયોમાં પાણીનું સ્તર કુલ ક્ષમતાના 41 ટકા સુધી પહોંચી ગયું છે, જે 2022 પછીનું સૌથી શ્રેષ્ઠ સ્તર છે. આનાથી ઘઉં અને અન્ય રબી પાકોને એક સુરક્ષા કવચ મળશે.
વરસાદનો સમય મહત્વનો: જો જૂન-જુલાઈના વાવણીના સમયગાળા દરમિયાન જ વરસાદની અછત સર્જાય (જેમ કે 2002, 2004, 2009 અને 2015માં થયું હતું), તો ઉત્પાદન પર ગંભીર અસર પડે છે. વર્ષ 2023માં અલ નિનોની અસર સીઝનના અંતમાં જોવા મળી હતી, તેથી મોટું નુકસાન થયું ન હતું.
ભારતમાં અનાજની કિંમતોનો વૈશ્વિક બજાર સાથે સીધો સંબંધ છે. અલ નિનોની અસર થાઈલેન્ડ, વિયેતનામ અને ફિલિપિન્સ જેવા ચોખા ઉત્પાદક દેશો પર પણ પડશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ એશિયાના તણાવને કારણે એપ્રિલ 2026માં વૈશ્વિક સ્તરે યુરિયાના ભાવમાં 122 ટકા અને ડીએપીના ભાવમાં 14 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. ભારત પોતાની જરૂરિયાતના 30 ટકા ખાતર આયાત કરતું હોવાથી ખેડૂતોની ખર્ચ-લાગત વધશે.
ચોમાસું નબળું રહેતા ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા (MNREGA) હેઠળ કામની માંગ વધી જાય છે. અહેવાલ મુજબ, અલ નિનો વાળા વર્ષોમાં ખેડૂતો અનિશ્ચિતતાના કારણે ટ્રેક્ટર અને દ્વિચક્રી વાહનો જેવી મોટી ખરીદીઓ ટાળે છે, જેથી ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ મંદી જોવા મળી શકે છે.