Breaking News: જસ્ટિસ યશવંત વર્મા પરના ત્રણેય આરોપો સાબિત, સરકારી નિવાસસ્થાન પરથી ભારી માત્રામાં મળી હતી ‘બળેલી’ અને ‘અડધા બળેલી નોટો’
જસ્ટિસ યશવંત વર્માના સરકારી નિવાસસ્થાનના સ્ટોર રૂમમાંથી મોટી માત્રામાં 500 રૂપિયાની બળેલી અને અડધી બળેલી નોટો મળી આવવાના મામલે એક મોટો ખુલાસો થયો છે. આ મામલાની તપાસ કરી રહેલી સમિતિએ પોતાનો અહેવાલ તૈયાર કરીને લોકસભા અધ્યક્ષને સોંપી દીધો છે. તપાસ સમિતિએ જસ્ટિસ વર્મા સામે મૂકવામાં આવેલા તમામ ત્રણેય ગંભીર આરોપોને સાબિત ગણાવ્યા છે.

જસ્ટિસ યશવંત વર્મા સામે તપાસ કરી રહેલી સમિતિએ તેના અહેવાલમાં તેમની સામે મૂકવામાં આવેલા ત્રણેય આરોપને સાબિત માન્યા છે. સમિતિએ જણાવ્યું છે કે, તેમના સરકારી નિવાસસ્થાનના સ્ટોર રૂમમાંથી મોટી માત્રામાં 500 રૂપિયાની બળેલી અને અડધી બળેલી નોટો મળી આવી હતી. જો કે, આ નોટોના સ્ત્રોત કે માલિકી હક્ક અંગે જસ્ટિસ વર્મા કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
અહેવાલ મુજબ, 14 અને 15 માર્ચ 2025 ની રાત્રે દિલ્હીના 30 તુગલક ક્રેસન્ટ સ્થિત સરકારી નિવાસસ્થાનના સ્ટોર રૂમમાં આગ લાગી હતી. આગ ઓલવવા પહોંચેલા દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ ત્યાં મોટી સંખ્યામાં બળેલી, અડધી બળેલી, ભીની અને વિખરાયેલી 500 રૂપિયાની નોટો જોઈ હતી. ઘણા અધિકારીઓના નિવેદનો અને ફોટો-વીડિયો રેકોર્ડ પણ આ વાતની પુષ્ટિ કરે છે.
કેટલી રોકડ હતી, તે સ્પષ્ટ થઈ શક્યું નહીં
સમિતિએ જણાવ્યું કે, ઘટનાસ્થળેથી નોટો જપ્ત કરવામાં આવી નહોતી, ન તો તેમની ગણતરી કરવામાં આવી કે ન તો તેમની પૂરી યાદી બનાવવામાં આવી હતી. આ જ કારણે અહેવાલમાં રોકડની સાચી રકમ જણાવવી શક્ય નથી. સમિતિના જણાવ્યા અનુસાર, તેનો અર્થ એ નથી કે ત્યાં ઓછી નોટો હતી. ઉપલબ્ધ પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, સ્ટોર રૂમમાં 500 રૂપિયાની નોટો મોટી સંખ્યામાં હતી.
પહેલો આરોપ: રોકડ અંગે કોઈ સંતોષકારક જવાબ નહીં
પહેલા આરોપમાં જણાવાયું હતું કે, ન્યાયમૂર્તિ વર્માના નિયંત્રણ હેઠળના સરકારી પરિસરમાં મોટી માત્રામાં એવી રોકડ મળી, જેનો કોઈ સ્પષ્ટ સ્ત્રોત કે માલિકી હક્ક સામે આવ્યો નથી. સમિતિએ આ આરોપને સાબિત માન્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે, ન્યાયમૂર્તિ વર્મા નોટો મળવા, તેના સ્ત્રોત અને તેની માલિકી અંગે સંતોષકારક જવાબ આપી શક્યા નથી.
બીજો આરોપ: પુરાવા સુરક્ષિત રાખવામાં આવ્યા નહીં
બીજા આરોપમાં આગ ઓલવ્યા પછી ઘટનાસ્થળ અને ત્યાં રહેલા પુરાવાઓને યોગ્ય રીતે સુરક્ષિત ન રાખવાની વાત હતી. સમિતિએ આ આરોપ પણ સાબિત માન્યો છે. અહેવાલ મુજબ, સરકારી અધિકારીઓની તપાસ અને જગ્યાને સીલ કરતા પહેલા સ્ટોર રૂમની સ્થિતિમાં ફેરફાર થયો હતો અને પાછળથી ત્યાં હાજર નોટો પણ મળી નહોતી.
સમિતિએ કહ્યું કે, આ આરોપ સાબિત કરવા માટે એ જરૂરી નહોતું કે ન્યાયમૂર્તિ વર્માએ પોતે જઈને નોટો હટાવી હોય. તેમના નિયંત્રણ હેઠળના પરિસરમાં પુરાવા સુરક્ષિત રાખવામાં આવ્યા નહોતા અને તેનાથી મહત્વપૂર્ણ પુરાવા નષ્ટ થઈ ગયા.
ત્રીજો આરોપ: જવાબ ગોળ-ગોળ અને અધૂરો બતાવ્યો
ત્રીજા આરોપમાં ન્યાયમૂર્તિ વર્માની અલગ-અલગ સ્પષ્ટતાઓને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સમિતિએ કહ્યું કે, તેમના જવાબમાં એ સ્પષ્ટ માહિતી નહોતી જેની આ મામલે એક બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે.
સમિતિના જણાવ્યા અનુસાર, 22 માર્ચ 2025 ના જવાબમાં ન્યાયમૂર્તિ વર્માએ રોકડ વિશે જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો. પાછળથી વલણમાં ફેરફાર આવ્યો અને તેમણે ઘટનાસ્થળની જપ્તી, રોકડની ગણતરી અને પાછળથી થયેલી સફાઈ જેવા મુદ્દા ઉઠાવ્યા.
અહેવાલમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ન્યાયમૂર્તિ વર્માએ સ્ટાફની ભૂમિકા, રોકડ ત્યાં રાખવામાં આવી હોવા, રોકડ હટાવવામાં આવી હોવા કે કોઈ કાવતરા જેવી વાતો તરફ ઈશારો કર્યો હતો. જો કે, આ દાવાઓને સાબિત કરવા માટે કોઈ ઠોસ પુરાવા કે સાક્ષી રજૂ કર્યા નહોતા.
સમિતિએ અંતમાં કહ્યું કે, તેમની સ્પષ્ટતા ગોળ-ગોળ, અધૂરી અને ગેરમાર્ગે દોરનારી હતી. તેના આધારે ત્રીજા આરોપને પણ સાબિત માનવામાં આવ્યો છે.
સમિતિનો અંતિમ નિષ્કર્ષ
અહેવાલના સૌથી મહત્વપૂર્ણ ભાગમાં સમિતિએ સ્પષ્ટપણે કહ્યું છે કે, આરોપ નંબર એક, બે અને ત્રણ- ત્રણેય સાબિત થાય છે. સમિતિએ કહ્યું કે, સરકારી નિવાસસ્થાનના સ્ટોર રૂમમાંથી મોટી માત્રામાં 500 રૂપિયાની નોટો મળી, તેનો સંતોષકારક સ્ત્રોત બતાવવામાં આવ્યો નહીં, મહત્વપૂર્ણ પુરાવા સુરક્ષિત રાખવામાં આવ્યા નહીં અને પાછળથી રોકડ ગાયબ થવાનો પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.
સમિતિએ પોતાનો અહેવાલ અને તપાસ સંબંધિત દસ્તાવેજો આગળની કાર્યવાહી માટે લોકસભા અધ્યક્ષને સોંપવામાં આવ્યા હોવાની વાત કહી છે.
