લદ્દાખ તણાવ વચ્ચે નજીક આવી ભારત-ચીનની સેનાઓ, નવા વર્ષે સરહદ પર જોવા મળ્યા કંઇક આવા દ્રશ્યો
ભારત અને ચીન સેનાઓએ હોટ સ્પ્રિંગ્સ, ડેમચોક, નાથુ લા, કોંગારા લા, કેકે પાસ, ડીબીઓ, બોટલનેક, કોંકલા, ચુશુલ મોલ્ડો, બૂમ લા અને વાછા દમાઈ ખાતે મીઠાઈ વહેંચીને નવા વર્ષની ઉજવણી કરી હતી.
છેલ્લા દોઢ વર્ષથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનની (Indo-China Army) સેનાઓ વચ્ચે ચાલી રહેલો તણાવ નવા વર્ષના પ્રથમ દિવસે જ દૂર થતો દેખાયો. ભારતીય સેનાએ કહ્યું કે ભારતીય સૈનિકો અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ વર્ષના પ્રથમ દિવસે એલએસી પર અલગ-અલગ સ્થળોએ નવા વર્ષના આગમનની એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. બંને સેનાઓએ હોટ સ્પ્રિંગ્સ, ડેમચોક, નાથુ લા, કોંગારા લા, કેકે પાસ, ડીબીઓ, બોટલનેક, કોંકલા, ચુશુલ મોલ્ડો, બૂમ લા અને વાછા દમાઈ ખાતે મીઠાઈ વહેંચીને નવા વર્ષની ઉજવણી પણ કરી હતી.
તમને જણાવી દઈએ કે, 5 મે, 2020ના રોજ, પેંગોંગ લેક વિસ્તારોમાં હિંસક અથડામણ પછી ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે પૂર્વ લદ્દાખ સરહદે અથડામણ શરૂ થઈ હતી.
On the #NewYear2022, Indian Army and People's Liberation Army (PLA) of China exchanged greetings and sweets in Hot Springs, Demchok, Nathula, and Kongra La areas along the Line of Actual Control today pic.twitter.com/2JRB0KtQTc
— ANI (@ANI) January 1, 2022
50,000 થી વધુ સૈનિકોની તૈનાતી
સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા, બંને પક્ષોએ ગયા વર્ષે પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કિનારે અને ગોગરા વિસ્તારમાં સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પૂર્વી લદ્દાખને સંપૂર્ણ રીતે જોડવાની યોજના પર કામ કરવા અંગે ભારતનું વલણ ચીનને પસંદ આવ્યું નથી અને મડાગાંઠ ચાલુ છે.
ભારત આ બાબત પર ભાર મુકી રહ્યું હતું કે પેંગોંગ ત્સો, ગલવાન અને ગોગરામાં જ્યાં બફર ઝોન બનાવવામાં આવ્યા છે, ટુકડાંઓમાં અલગાવથી અંતિમ ઉકેલ મળશે નહીં.
ગયા મે 2020 માં લદ્દાખમાં તણાવ શરૂ થયો ત્યારથી આ ક્ષેત્રમાં 50,000 થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. માત્ર લદ્દાખ જ નહીં, ચીન અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની સરહદે આવેલા પૂર્વ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી આક્રમક પગલાં લઈ રહ્યું છે.
બીજી તરફ શનિવારે નવા વર્ષ નિમિત્તે ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ એલઓસી પર એકબીજાને શુભેચ્છા પાઠવી અને મીઠાઈની આપ-લે કરી. આ આપ-લે એલઓસીના ઓછામાં ઓછા ચાર મીટિંગ-પોઇન્ટ્સ પર થઈ હતી.
ભારત-પાકિસ્તાનના સૈનિકોએ મીઠાઈ વહેંચી
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, લાઈન ઓફ કંટ્રોલ એટલે કે એલઓસીના જે ચાર મીટિંગ પોઈન્ટ પર ભારત અને પાકિસ્તાનના સ્થાનિક કમાન્ડરો મળ્યા હતા તે છે, ચિલવાલ-તિથવાલ ક્રોસિંગ, ચકોટી-ઉરી ક્રોસિંગ, પૂંચ-રાવલકોટ અને મેંઢર-હોટ-સ્પ્રિંગ ક્રોસિંગ. આ દરમિયાન બંને દેશના સૈનિકોએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને મીઠાઈ સહિત અન્ય ભેટોની આપલે કરી. આ દરમિયાન બંને દેશના સૈનિકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કર્યું અને બધાએ માસ્ક પહેર્યા હતા અને હાથમાં ગ્લોવ્ઝ પણ પહેર્યા હતા.
આ પણ વાંચો : ફરી અફઘાનિસ્તાનની મદદે ભારત આવ્યુ આગળ, નવા વર્ષે 5 લાખ કોરોના વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા