ભારત સરકારનો મોટો નિર્ણય ! હવે દરેક નવા સ્માર્ટફોનમાં આ એપ હશે, યુઝર્સ ઈચ્છે તો પણ તેને અનઇન્સ્ટોલ નહીં કરી શકે
શું તમે જાણો છો કે, હવે આ સરકારી એપ દરેક નવા સ્માર્ટફોનમાં ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેને તમે અનઇન્સ્ટોલ પણ કરી શકશો નહીં. એવામાં શું આનાથી યુઝર્સની પ્રાઇવસી પર અસર પડશે?

ભારત સરકારે સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે તમામ મોટી સ્માર્ટફોન કંપનીઓને આગામી 90 દિવસની અંદર દરેક નવા ફોન પર સરકારી સાયબર સુરક્ષા એપ્લિકેશન “Sanchar Saathi” પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, આ એપ્લિકેશનને કોઈપણ રીતે દૂર કરી શકાતી નથી અને ના તો ‘Disable’ કરી શકાય છે.
28 નવેમ્બરના રોજ બહાર પાડેલ આ આદેશ જાહેર કરવામાં આવ્યો ન હતો પરંતુ પસંદગીની કંપનીઓને ખાનગી રીતે મોકલવામાં આવ્યો હતો. ભારત 1.2 અબજથી વધુ ટેલિકોમ યુઝર્સ સાથે વિશ્વના સૌથી મોટા મોબાઇલ બજારોમાંનું એક છે.
સરકારનો દાવો છે કે, આ એપ્લિકેશન ચોરાયેલા મોબાઇલ ફોનને ટ્રેક કરવામાં, નકલી IMEI ઓળખવામાં અને સાયબર છેતરપિંડીને અટકાવવામાં અત્યંત અસરકારક સાબિત થઈ છે. મળતી માહિતી મુજબ, લોન્ચ થયા પછી તેણે 7 લાખથી વધુ ખોવાયેલા ફોન પાછા મેળવ્યા છે અને 3.7 કરોડથી વધુ નકલી કનેક્શન બ્લોક કર્યા છે.
Apple આ આદેશનું પાલન કેવી રીતે કરશે?
આ આદેશથી Apple જેવી સ્માર્ટફોન બ્રાન્ડ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગઈ છે. એપલની નીતિઓ અનુસાર, તે વેચાણ પહેલાં ફોન પર કોઈપણ થર્ડ પાર્ટી અથવા સરકારી એપ્લિકેશનને પ્રી-ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપતી નથી. એપલે અગાઉ આવી સરકારી એપ્લિકેશનો સામે વાંધો વ્યક્ત કર્યો છે અને આ વખતે પણ બધાની નજર કંપનીની કાર્યવાહી પર છે.
નિષ્ણાતો કહે છે કે, એપલ સરકારને સીધો ઇનકાર કરશે નહીં પરંતુ વચ્ચેનો કોઈ રસ્તો શોધી શકે છે. ટૂંકમાં યુઝર્સને નોટિફિકેશન અથવા પોપ-અપ બતાવીને એપ્લિકેશનને ફરજિયાત બનાવવાને બદલે ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવું. Samsung, Xiaomi, Vivo અને Oppo જેવી કંપનીઓ પણ આ આદેશથી પ્રભાવિત થશે. જો કે, આ બાબતે હજુ સુધી કોઈ કંપનીએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
આ એપ IMEI ચેકિંગ, ફોન ટ્રેકિંગ અને સાયબર છેતરપિંડીને અટકાવવામાં કેવી રીતે મદદ કરે છે?
સરકાર જણાવે છે કે, Sanchar Saathi એપને ફરજિયાત બનાવવી જરૂરી છે, કારણ કે વધતી જતી સાયબર છેતરપિંડી, નકલી IMEI અને છેતરપિંડીવાળા મોબાઇલ કનેક્શન દેશની સાયબર સુરક્ષા માટે એક ગંભીર ખતરો બની શકે છે. IMEI એટલે કે International Mobile Equipment Identity એક અનોખો 14-17 અંકનો નંબર છે, જે દરેક મોબાઇલ ફોનને ઓળખે છે.
છેતરપિંડી કરનારાઓ નકલી કનેક્શન બનાવવા, સ્કેમ કોલ કરવા અને ચોરાયેલા મોબાઇલ ફોનનો દુરુપયોગ કરવા માટે આ IMEI માં ફેરફાર કરે છે. Sanchar Saathi એપ યુઝર્સને IMEI ચેક કરવા, ખોવાયેલા ફોન બ્લોક કરવા, Suspicious Calls ની જાણ કરવા અને ચોરાયેલા ફોનને ટ્રેક કરવાની મંજૂરી આપે છે. પોલીસ અને સાયબર એજન્સીઓ અનુસાર, આ એપથી માત્ર ગુનામાં ઘટાડો થયો નથી પરંતુ નકલી મોબાઇલ ફોનની સપ્લાયમાં પણ ઘટાડો થયો છે.
શું આ અનઇન્સ્ટોલ કરી શકાય તેવી એપ યુઝર્સની પ્રાઇવસીને અસર કરશે?
સરકાર માને છે કે, આ પગલું જનતાની સલામતી માટે મહત્વપૂર્ણ છે પરંતુ ડિજિટલ અધિકારો અને પ્રાઇવસી પર કામ કરતા નિષ્ણાતો આ નિર્ણય અંગે ચિંતિત છે. તેમનું કહેવું છે કે, કોઈપણ એપને અનઇન્સ્ટોલ ન થવા દેવાથી યુઝરની સ્વતંત્રતા અને પ્રાઇવસી પર અસર પડી શકે છે.
ઘણા યુઝર્સ પહેલાથી ઇન્સ્ટોલ કરેલી અને દૂર ન કરી શકાય તેવી એપ્લિકેશનોથી પણ નિરાશ છે. સ્માર્ટફોન કંપનીઓ આ સરકારી આદેશને કેવી રીતે અમલમાં મૂકે છે, તે જોવાનું રસપ્રદ રહેશે, ખાસ કરીને એપલ જેની નીતિઓ આ નિર્દેશથી બિલકુલ વિરુદ્ધ છે.

