દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની શરાબ કૌંભાડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા કરાયેલ ધરપકડ પર અમેરિકાએ કરેલી ટિપ્પણી પર ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. કેજરીવાલ પરની અમેરિકાની ટિપ્પણી બાદ ભારતે આજે બુધવારે દિલ્હીમાં યુએસ એમ્બેસીના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ગ્લોરિયા બાર્બેનાને સમન્સ પાઠવ્યું હતું. ગ્લોરિયા સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓની બેઠક લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન ભારતે સ્પષ્ટ કહ્યું કે, આ ભારતનો આંતરિક મામલો છે અને તેમાં અમેરિકા સહીત અન્ય કોઈએ દખલ ના કરવી જોઈએ.
વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ભારતમાં કેટલીક કાનૂની કાર્યવાહીને લઈને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાની ટિપ્પણીનો સખત વિરોધ નોંધાવ્યો છે. કૂટનીતિમાં, દેશો અન્યની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ જવાબદારી બને છે. સાથી લોકશાહીના કિસ્સામાં પણ વધુ. અન્યથા તે ખોટો દાખલો બેસાડી શકે છે. ભારતની કાનૂની પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે. તેના પર આક્ષેપ કરવો અયોગ્ય છે.”
એક દિવસ પહેલા જ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડ સંદર્ભના એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને અગ્રણી વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની સાથે સંબંધિત અહેવાલો પર સતત નજર રાખી રહ્યા છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે તે કેજરીવાલના કેસમાં નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાની રાહ જોઈ રહ્યું છે.
India strongly objects to the remarks of the US State Department Spokesperson:https://t.co/mi0Lu2XXDL pic.twitter.com/pa9WYNZQSi
— Randhir Jaiswal (@MEAIndia) March 27, 2024
કેજરીવાલની ધરપકડ પર જર્મની બાદ અમેરિકાની બીજી આંતરરાષ્ટ્રીય ટિપ્પણી છે. ગયા અઠવાડિયે જર્મનીએ પણ આવું જ નિવેદન આપ્યું હતું. જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કેજરીવાલની ધરપકડની નોંધ લીધી હતી. જર્મન અધિકારીએ કહ્યું હતું કે, “અમે માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ કેસમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે સંબંધિત ધોરણો પણ લાગુ થશે.”
આ પછી, ભારતે ગયા શનિવારે જર્મન એમ્બેસીના ડેપ્યુટી ચીફને બોલાવ્યા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયની ટિપ્પણી સામે સખત વિરોધ નોંધાવ્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે જર્મનીના રાજદૂત જ્યોર્જ એન્ઝવેઈલરને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ બોલાવ્યા અને કહ્યું કે કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયની ટિપ્પણી ભારતની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ છે. મંત્રાલયે કહ્યું કે કોઈપણ ‘પૂર્વે ધારેલી ધારણા’ બિલકુલ ગેરવાજબી છે.