IAS ટોપર ટીના ડાબી અને અતહર ખાને લગ્નના 2 વર્ષ બાદ લીધા છૂટાછેડા, ગયા વર્ષે પરસ્પર સંમતિથી દાખલ કરી હતી અરજી
ર્ષ 2015માં IAS ટોપ કરનારી ટીના ડાબી અને તેના પતિ અતહર ખાનને જયપુર ફેમિલી કોર્ટે છૂટાછેડા આપી દીધા છે.
વર્ષ 2015માં IAS ટોપ કરનારી ટીના ડાબી (Tina Dabi) અને તેના પતિ અતહર ખાનને (Athar Khan) જયપુર ફેમિલી કોર્ટે છૂટાછેડા આપી દીધા છે. બંનેએ ગયા વર્ષે નવેમ્બરમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી. વર્ષ 2018માં બંનેએ લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના 2 વર્ષ બાદ તેઓએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે. ટીના ડાબીએ વર્ષ 2015માં UPSCની પરીક્ષામાં ટોપ કર્યું હતું અને તે જ વર્ષે અતહર એ જ પરીક્ષામાં બીજા ક્રમે રહ્યો હતો.
બંનેના લગ્ન અલગ અલગ ધર્મોથી આવતા હોવાના કારણે પણ સમાચારોમાં હતા. એવું કહેવાય છે કે, તાલીમ દરમિયાન જ રાજસ્થાન કેડરના આ બે IAS અધિકારીઓ વચ્ચે નિકટતા વધી હતી. બંનેના લગ્ન દરમિયાન ઘણા દિગ્ગજ રાજકારણીઓએ પણ તેમને અભિનંદન આપ્યા અને તેમના લગ્ન સમારોહમાં પણ હાજરી આપી હતી. જોકે ઘણા લોકો અને સંગઠનો હતા જેમણે ટીના ડાબીના આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
હિન્દુ મહાસભાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી
હિન્દુ મહાસભાએ પણ ટીના ડાબીના અથર સાથે લગ્ન કરવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. હિન્દુ મહાસભાએ આ બાબતે ટીનાના માતાપિતાને પત્ર પણ લખ્યો હતો, જેમાં ટીનાને લગ્ન રદ કરવા અથવા અતહરને ધર્મપરિવર્તન કરાવવાનું કહેવામાં આવ્યું હતું. હિન્દુ મહાસભાએ એક પત્ર દ્વારા કહ્યું હતું કે આ લગ્ન “લવ જેહાદ”ને પ્રોત્સાહન આપશે.
તમામ વિરોધ છતાં ટીના અને અતહર પોતાના નિર્ણય પર અડગ રહ્યા. ટીનાએ તે સમયે એક ફેસબુક પોસ્ટ કરી હતી, જે ખૂબ સમાચારોમાં હતી. ટીનાએ લખ્યું, “કોઈપણ ખુલ્લા વિચારની સ્ત્રીની જેમ, હું મારા પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છું. હું મારી પસંદગીથી ખૂબ જ ખુશ છું અને આમિર પણ. અમારા માતા -પિતા પણ ખુશ છે. પરંતુ હંમેશા એવા તત્વો હશે કે, જેઓની સંખ્યા ઓછી હશે અને અન્ય ધર્મના વ્યક્તિ સાથે સંબંધ રાખવા વિશે હંમેશા નકારાત્મક વાત કરશે.